અમદાવાદમાં વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ બન્યા બાદ ક્રિકેટ મેચો રમાઈ ગઈ છે. તેમ છતાં હવે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આગામી વર્ષ 2036 ની ઓલિમ્પિક્સ રમાડવા માટે અત્યારથી જ તૈયારીઓ શરુ કરવામાં આવી છે. અમદાવાદની 2036 ની ઓલિમ્પિક્સની પ્રબળ દાવેદારી પ્રસ્તુત કરવા માટે તૈયારીઓ શરુ કરાય છે.

ઓલિમ્પિક્સને ધ્યાનમાં રાખીને તમામ સુવિધાઓ સારી રીતે ઊભી કરી શકાય તે માટે ઔડા દ્વારા સર્વે કરવા માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. ત્યારબાદ શહેરમાં સ્પોર્ટ્સ સંકુલ અને હોટલો સહિતના ઈન્ફ્રાસ્ટ્રક્ચરના સર્વે માટે અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા એક એજન્સી નિમણૂક કરાશે. જે ત્રણ મહિનામાં સર્વેની કામગીરી પૂર્ણ કરીને ઓલિમ્પિક્સ યોજવા અંગેની બાબતોનો રિપોર્ટ સોંપશે.

આ મુદ્દે વિજય રૂપાણીને સવાલ પૂછવામાં આવ્યો તો તેમને કહ્યું છે કે, ‘વર્ષ 2036માં ભારતમાં જો ઓલિમ્પિક્સ રમાશે તો અમદાવાદમાં તેનું ઇનફ્રાસ્ટ્રક્ચર એટલે આ બહું મોટી સુવિધા, કેન્દ્ર સરકારનાં માર્ગદર્શન હેઠળ આપણને પ્રાપ્ત થઈ રહી છે. તે માટેની તૈયારીઓ કરાઈ રહી છે. અમદાવાદ કોર્પોરેશન આ માટેની તૈયારી શરૂ કરવામાં આવી રહી છે. રાજ્ય સરકાર આ અંગેની તમામ તૈયારીઓ માટે સંપૂર્ણ સહકાર આપશે. અહીં જો ઓલિમ્પિક્સ રમાશે તે રાજ્ય માટે ગૌરવની વાત કહેવાય. તેના માટે હું પીએમ નરેન્દ્ર મોદી અને અમિત શાહનો આભાર માનું છું.’