સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ ફરી એકવાર રાજ્યમાં કોરોનાએ ઉથલો માર્યો છે. રાજ્યમાં કોરોના કેસોમાં વધારો નોંધાતા લોકોમાં ભય જોવા મળી રહ્યો છે અને તંત્ર પણ એલર્ટ થઇ ગયું છે. આજથી મહાનગરોમાં 31 માર્ચ સુધી રાત્રિ કર્ફ્યુની જાહેરાત કરવામાં આવી છે. રાજકોટ શહેરમાં વધી રહેલા કેસોને કારણે રાત્રે 10 પછી હોટલ, રેસ્ટોરન્ટ, ખાણીપીણી બજાર, મોલ, ગલ્લા, ટી સ્ટોલ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. શહેરમાં માસ્ક વગર બેફામ ફરેલી રહેલી જનતા સામે કડક કાર્યવાહી કરવાની જાહેરાત કરવામાં આવી છે.

ત્યારે રાજકોટ શહેરમાં શાળા-કોલેજોમાં પણ કોરોનાના કેસો જોવા મળતા વાલીઓની સાથે સાથે સંચાલકોમાં પણ ચિંતાનું પ્રમાણ વધ્યું છે. આથી કોરોનાના વધતા કેસોની જિલ્લા શિક્ષણ અધિકારીએ શહેરની શાળાઓની વિગતો મંગાવી હતી. જેમાં સરકારી અને ખાનગી શાળાઓમાં હાલની સ્થિતિ કેવી છે. કેટલા વિધાર્થીઓ અને શિક્ષકો કોરોનાથી સંક્રમિત થયા. આ અંગે જિલ્લા શિક્ષણાધિકારી સાથે શાળા સંચાલકોની બેઠક મળશે. બે દિવસમાં આ બેઠક બોલાવવામાં આવશે અને કોરોનાના વધતા કેસો અને વિધાર્થીઓની પરીક્ષા અંગે ચર્ચા કરવામાં આવશે.