વડોદરા જી.એમ.ઇ.આર.એસ મેડિકલ કોલેજ ની હોસ્ટેલ ખાતે રેગીંગ નો મામલો સામે આવ્યો છે. રેગીંગ બાદ MBBS સેકન્ડ યર ની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી હતી. ત્યારે આ મોકૂફ રાખવામાં આવેલ પરીક્ષા 3 ઓગસ્ટ એ રાખવામાં આવશે. જે 26 જુલાઈ ની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી હતી. રેગીંગ ને પગલે ડરેલાં મોટા ભાગના વિદ્યાર્થીઓ ઘરે જતા રહ્યા છે. એન્ટી રેગીંગ કમિટી નો રિપોર્ટ પોલીસ ને સુપ્રત કરવામાં આવ્યો છે. હવે રેગીંગ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ શકે છે.

ગત શનિવારે મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓ અને પૂર્વ વિદ્યાર્થીઓએ બીજા વર્ષના વિદ્યાર્થીઓને વહેલી સવારે એકઠા કરી ઉઠબેસ કરાવતા કેટલાક વિદ્યાર્થીઓની તબિયત લથડી હતી. આ ઘટના બાદ ગોત્રી મેડિકલ કોલેજની એન્ટી રેગિંગ કમિટીએ બેઠક યોજી અહેવાલ તૈયાર કરવામાં આવ્યો હતો. જેમાં તાત્કાલિક ધોરણે બે પૂર્વ વિદ્યાર્થીઓ જે ઓર્થોપેડિક અને સર્જરી વિભાગમાં ફરજ બજાવતા હતા તેઓને પાણીચુ આપ્યું હતું. જ્યારે ત્રીજા વર્ષના 5 વિદ્યાર્થીઓ અને એક ઈન્ટર્ન તબીબને છ માસનું એકેડેમિક સસ્પેન્શન આપ્યું હતું.

ઘટનાના પગલે વિદ્યાર્થીઓમાં ડરનો માહોલ છે અને કેટલાક વિદ્યાર્થીઓ હોસ્ટેલમાંથી ઘરે જતા રહ્યા છે. પરંતુ ગોત્રી જી.એમ.ઇ.આર.એસ કોલેજના ડીન ડો. વર્ષા ગોડબોલેએ જણાવ્યું હતું કે 90 ટકા જેટલા વિદ્યાર્થીઓ અહીંયા જ છે અને જે ઘરે ગયા છે તેઓ રવિવાર સુધીમાં પરત આવી જશે.