ગાંધીનગર નજીક આવેલા હડમતિયા ગામના ફાર્મહાઉસ પર ભેગા થયેલા મિત્રો વચ્ચે કોઈ બાબતે ડખો થતાં ખાનગી ફાયરિંગ કરવામાં આવ્યું હોવાના સમાચાર મળ્યા છે. ફાયરિંગમાં એક વ્યક્તિને ગોળી વાગતા તેનું મોત નીપજ્યું હતું. બીજી તરફ બબાલમાં તલવાર વડે હુમલો થતાં એક વ્યક્તિ ઘાયલ થયો હોવાના પણ અહેવાલ મળ્યા છે. મોડી રાત્રે બનેલી ઘટનાની જાણ સેકટર-7 પોલીસને થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. બનાવને લઇને હડમતીયા સહિત સમગ્ર ગાંધીનગર જિલ્લામાં ભયનો માહોલ ઉભો થયો છે.

સૂત્રોમાંથી મળેલી માહિતી મુજબ ગાંધીનગર નજીકના હડમતીયા ગામે આવેલા સામ્રાજ્ય ફાર્મમાં ગત મોડીરાત્રે અંદાજે 10 વાગ્યાના અરસામાં અમુક મિત્રો ભેગા થયા હતા. જ્યાં કોઈ બાબતે મિત્રો વચ્ચે તકરાર સર્જાતા મારામારી થઈ હતી. તકરાર એટલી હદે ઉગ્ર બની હતી કે ઘાતક હથિયારો વડે મિત્રો-મિત્રો વચ્ચે એકબીજા પર હુમલો કરી દેવામાં આવ્યો હતો. હુમલામાં કહેવાય છે કે એક વ્યક્તિને તલવાર વાગતા તેને ગંભીર હાલતમાં ગાંધીનગર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જ્યારે અહીં થયેલા ખાનગી ફાયરીંગમાં ગોળી વાગવાથી પ્રવીણભાઈ કલ્યાણભાઈ માણીયા નામના વ્યક્તિનું મોત થયું હોવાના સમાચાર મળ્યા છે.

બનાવની જાણ પોલીસને થતાં સેકટર-7 પોલીસ મથક સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે સ્થળ ઉપર પહોંચીને પોતાને કરવી પડતી તમામ જરૂરી કાર્યવાહી હાથ પર લઈ લીધી હતી. પોલીસે ઘટનામાં મૃત્યુ પામનાર વ્યક્તિની લાશનો કબજો લઈ તેને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી દીધી છે. એકનું મોત બીજો ગંભીર ઘાયલ થતાં સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ત્યારે આ મામલે ગાંધીનગર સેકટર 7 પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.