મોરબી રોડ પર આવેલા કુવાડવાના ગવરીદળમાં રહેનાર ભરવાડ પ્રોઢ સવારના કુદરતી હાજતે જઇ રહ્યા હતા. તે દરમિયાન વિજતાર તુટીને માથે પડતા કરંટ લાગવાના કારણે ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત થઈ ગયું હતું. બનાવની વિગત અનુસાર ગવરીદળમાં રહેનાર લીંબાભાઇ સંગ્રામભાઈ શિયાળ (ઉ.વ.58) સવારે પોણા સાતેક વાગ્યે ઘરેથી ચાલીને ગામના સ્મશાન નજીક કુદરતી હાજતે જઈ રહ્યા હતાં ત્યારે એકાએક વિજતાર તૂટીને માથે પડતાં વિજકરંટ લાગતાં ઘટના સ્થળે જ તેનું મોત નિપજ્યું હતું. બનાવની જાણ થતા જ ગામ લોકો અને સ્વજનો દોડી આવ્યા હતા.

જ્યારે પરિવાજનો દ્વારા પછી 108 ને બોલાવવામાં આવી હતી. આ દરમિયાન હાજર તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. જેની જાણ કુવાડવા રોડ પોલીસને કરાતા મથકના મહાવીરસિંહ અને હિતેષભાઇએ પહોંચી જરૂરી કાર્યવાહી કરી મૃતદેહ પોસ્ટ મોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો.

જ્યારે વધુમાં માહિતી જાણવા મુજબ, લીંબાભાઇ બે ભાઇ અને ત્રણ બહેનમાં નાના હતા. સંતાનમાં બે પુત્રો અને એક દિકરી રહેલ છે. લીંબાભાઇ પશુપાલન કરવા સાથે ચાની હોટેલ પણ ચલાવી ગુજરાન ચલાવતા હતાં. આ કરુણ ઘટનાના કારણે પરિવારમાં શોક છવાઇ ગયો છે.