ગુજરાતમાં પણ ભારે વરસાદ મુસીબતોનો પહાડ બનીને આવ્યો છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદની સંભાવના છે. વરસાદના કારણે રેલ વ્યવહારને માઠી અસર થઈ છે. ચાણોદ અને એકતાનગર રેલ્વે સ્ટેશન (કેવડિયા કોલોની) વચ્ચે ભારે વરસાદને કારણે સ્ટેચ્યુ ઓફ યુનિટી જતી તમામ ટ્રેનો રદ કરવામાં આવી છે.

વરસાદી પાણીના જોરદાર પ્રવાહને કારણે ટ્રેકની નીચેની માટીનું ધોવાણ થયું છે.આ દરમિયાન, હવામાન વિભાગે ચેતવણી આપી છે કે દક્ષિણ ગુજરાતના ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં આગામી પાંચ દિવસમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. ભારે વરસાદને કારણે દક્ષિણ અને મધ્ય ગુજરાતના અનેક જિલ્લાઓમાં નદીઓ વહેવા લાગી છે.

ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ થયો છે. જેમાં પાલડીમાં 18 ઈંચ, ઉસ્માનપુરામાં 15 ઈંચ, બોડકદેવમાં 13 ઈંચ વરસાદના કારણે પાણી ભરાયા છે. જ્યારે ગોતા અને રાણીપમાં 9 ઈંચ, સરખેજમાં 10 ઈંચ વરસાદ નોંધાયો છે.