અમદાવાદ મનપા સ્કૂલ બોર્ડના શિક્ષકો કોરોના સંક્રમિત થયા છે. જે કોરોના ની બીજી લહેરમાં સ્કૂલ બોર્ડના 50 થી વધુ શિક્ષકો સંક્રમિત થયા છે. જેને લઈને અમદાવાદ મ્યુનિસિપલ શિક્ષક મંડળે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. જો કે હાલમાં કોવિડમાં શિક્ષકોને અલગ-અલગ ડ્યૂટી સોંપવામાં આવી છે. ત્યારે કોવિડ ડ્યૂટી કરી રહેલા મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના શિક્ષકો પણ કોરોના સંક્રમિત થયા છે. જે શિક્ષકોને કોવિડ સર્વે, ધન્વંતરિ રથ, ટેસ્ટિંગ ડોમની કામગીરી સોંપવામાં આવી છે. જેના કારણે 3 શિક્ષકો ના મૃત્યુ અને અનેક શિક્ષકો કોરોનાથી સંક્રમિત થયા છે. ત્યારે સ્કૂલ બોર્ડના શિક્ષકોને આ કોરોનાની કામગીરી માંથી રાહત આપવા માંગ કરવામાં આવી રહી છે. અને અન્ય સ્ટાફને ડ્યૂટી સોંપવામાં આવે તેવી રજૂઆત કરી છે.

મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના યુનિયનના પ્રમુખ મનોજ પટેલે જણાવ્યું હતું કે, કોરોના શરૂ થયો ત્યારથી શિક્ષકો કોરોનામાં ડ્યૂટી કરી રહ્યા છે અને હાલમાં બીજી લહેરમાં પણ અનેક શિક્ષકો ડ્યૂટી કરી રહ્યા છે. પરંતુ હવે શિક્ષકો પણ પોઝિટિવ આવ્યાં છે. સતત એક મહિનો ડ્યૂટી કરીને શિક્ષકોના પરિવાર પણ હવે સંક્રમિત થવાની સંભાવના છે. માટે હવે શિક્ષકોને ડ્યૂટીમાં મુક્તિ આપીને બીજા સ્ટાફને કોવિડમાં ડ્યૂટી આપવી જોઈએ.

અમદાવાદ શહેરમાં કોરોનાના કેસમાં સતત ત્રીજા દિવસે ઘટાડો નોંધાયો છે. ત્યારે અમદાવાદ શહેરમાં માઈક્રો કન્ટેઈન્મેટ ઝોનમાં પણ આંશિક ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 4,754 નવા કેસ સામે આવ્યા છે અને 4,648 દર્દી સાજા થયા છે. તે અગાઉ સતત દસ દિવસ 5 હજારથી વધુ કેસ નોંધાયા હતા. જ્યારે 23ના મોત થયા છે. સાથે જ મૃત્યુઆંક 3,016 થયો છે. આ સાથે જ શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 185,436 થયો છે. જ્યારે 113,907 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે. જ્યારે મૃત્યુઆંક 3,016 થયો છે.