રાજકોટ શહેરના 150 ફૂટ રીંગ રોડ પર ફોર્ચ્યુન હોટેલ પાછળ બુધવારની રાતના થયેલી મુળ યુપીના બલરામપુરના નિર્મોહી ઉર્ફ ભભૂતિ રામતિરથ ચૌહાણની હત્યાનો ભેદ તાલુકા પોલીસ દ્વારા ઉકેલી નાખવામાં આવ્યો છે. નિર્મોહીને તેના જ માસા કુંદન ઉર્ફે કમલેશ દ્વારા છરાનો ઘા ઝીંકી પતાવી દેવાનું સામે આવતા તેની અટકાયત કરવામાં આવી છે. તેની સાથેના બે વ્યક્તિને પણ સકંજામાં લીધેલ છે. નિર્મોહી પોતાની માસી પર મોહી ગયો હોઇ અને બંને વચ્ચે આડાસંબંધ બંધાયા હોઇ તે કારણે માસા કુંદન સાથે થયેલી માથાકુટના કારણે મૃતકે કહ્યું હતું કે, હું તો તેની સાથે જ જીવીશ અને મરીશ. જેથી તેના માસાએ નિર્મોહીની હત્યા કર્યાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

બુધવારની રાત્રીના શહેરના 150 ફૂટ રિંગરોડ pr ફોર્ચ્યુન હોટેલ પાછળ ખોડિયાર ઇન્ડસ્ટ્રીઝ એરિયા ગેલઆઇ સોસાયટીના ખુણા પાસે એક યુવાન દોટ મુકીને ભાગતી વેળાએ ઉભેલી કાર સાથે અથડાઇને પડી ગયો ત્યાર બાદ ભેગા થયેલા લોકોએ જોયું તો તેના ગળા પર ઘા જોવા મળ્યા હતા. હોસ્પિટલમાં ખસેડાતા તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. ગઇકાલના સવારે આ યુવાનની ઓળખ થઇ હતી. તે યુપીના બલરામપુરના મહાદેવ અત્તરપરીનો વતની નિર્મોહી ચૌહાણ હોવાનું અને હાલ મવડી અજંતા ઇન્ડસ્ટ્રીઝ સોરઠીયા સમાજની વાડી સામેના કારખાનામાં કામ કરી ત્યાં જ ઓરડીમાં રહેતો હોવાનું સામે આવ્યું હતું.

ત્યાર બાદ તાલુકા પોલીસ અને ક્રાઇમ બ્રાંચની ટીમોએ તપાસનો ધમધમાટ આદરવામાં આવ્યો હતો. તાલુકા પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી નાંખી આરોપીઓને દબોચી લેવામાં આવ્યો છે. નિર્મોહીની હત્યા તેના જ માસા કુંદન ઉર્ફે કમલેશ દ્વારા કરવામાં આવી અને કુંદન સાથે તેનો સાળો સહિતના બે શખ્સો પણ સામેલ હોવાનું સામે આવ્યું છે. પોલીસ દ્વારા હત્યાનો ભોગ બનેલા નિર્મોહીની સાથે રૂમમાં રહેનાર વ્યક્તિઓની પૂછપરછ કરતા એવી જાણકારી સામે આવી છે કે, અગાઉ નિર્મોહીને તેના જ માસા કુંદન સાથે માથાકુટ થઇ હતી. તેના આધારે પોલીસે કુંદનને ઉઠાવી લઇ આકરી પુછપરછ કરતા તેની હત્યાની કબુલાત કરી લીધી હતી.