અષાઢી બીજના રોજ અમદાવાદ (Ahmedabad) શહેરમાં નીકળનાર રથયાત્રાનું ભક્તોનાં મનમાં અનેરું મહત્વ રહેલું હોય છે. આ રથયાત્રામાં અનેક પરંપરાગત વિધિ પણ કરવામાં આવે છે. તેવી જ એક વિધિ પહિંદ વિધિ છે, જે રાજ્યનાં મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવે છે. આજે પણ સીએમ વિજય રૂપાણી (CM Vijay Rupani) તથા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સોનાની સાવરણીથી રસ્તો સાફ કરીને આ વિધિ સંપન્ન કરાઈ છે. પહિંદ વિધિ બાદ જ રથયાત્રાનો પ્રારંભ થાય છે. તો શું તમને ખબર છે કે, ભગવાન નગર ચર્યાએ નીકળે તે પહેલા પહિંદ વિધિ કેમ કરાઈ છે? તો આવો જાણીએ તેનું શું મહત્વ છે.

માન્યતા અનુસાર રાજ્યનો રાજા જગન્નાથજીનો પ્રથમ સેવક ગણવામાં આવે છે. તેથી રથયાત્રા પહેલાં રાજા આવી સોનાની સાવરણીથી રથયાત્રાનો માર્ગ સાફ કરે બાદ જ ભગવાન રથમાં નગરચર્યા પર નીકળતા હોય છે. અષાઢી બીજનાં દિવસે સવારની મંગળા આરતી બાદ ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીને રથમાં બિરાજમાન કરાઈ છે. ત્યાર બાદ સવારે રાજ્યના રાજા એટલે કે મુખ્યમંત્રી જગન્નાથજીના રથનો રસ્તો સોનાની સાવરણીથી સાફ કરવામાં આવે છે. ત્યારબાદ રસ્તા પર પાણી છાટવામાં આવે છે. રસ્તો સાફ કરીને મુખ્યમંત્રી રથનું દોરડું ખેંચીને રથયાત્રાનો પ્રારંભ કરવાતા હોય છે.