ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 ને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે મોટો દાવો કર્યો છે. અમિત શાહે જણાવ્યું છે કે, આ વખતે ભાજપ રાજ્યમાં પોતાની જીતના તમામ રેકોર્ડ તોડી નાખશે. તે બહુમતી બેઠકો જીતશે અને બહુમતી સાથે સરકાર બનાવશે.

ગુજરાતની મુલાકાતે આવેલા ભાજપના ટોચના નેતા અમિત શાહે જણાવ્યું કે, પીએમ નરેન્દ્ર મોદી અને સીએમ ભૂપેન્દ્ર પટેલ વિકાસના કામોને વેગ આપી રહ્યા છે. ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પણ સુધરી રહી છે. રાજ્યની અર્થવ્યવસ્થા ઝડપથી વિકાસ કરી રહી છે. સીએમ પટેલ પીએમ મોદીના દલિતો, અનુસૂચિત જાતિ, ઓબીસીના વિકાસના મોડલને અનુસરી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે, ગુજરાતમાં છેલ્લા 22 વર્ષથી ભાજપની સરકાર છે. પાર્ટી છઠ્ઠી વખત સત્તામાં પરત ફરવાની તૈયારી કરી રહી છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અંતર્ગત 1 અને 5 ડિસેમ્બરે મતદાન થશે. પરિણામ 8 ડિસેમ્બરે આવશે. રાજ્યમાં પ્રથમ વખત AAP પણ પુરી તાકાત સાથે મેદાનમાં ઉતરી છે, જ્યારે કોંગ્રેસ અને AIMIM પણ પોતાનો હાથ અજમાવી રહ્યું છે.

અગાઉ સોમવારે શાહે કહ્યું હતું કે ભાજપે ગુજરાતની જનતાની અપેક્ષાઓ પર ખરા ઉતરવામાં કોઈ કસર બાકી રાખી નથી. કોંગ્રેસના શાસનમાં ગુજરાતમાં વર્ષમાં 250 દિવસ કર્ફ્યુ લાગતો હતો. બીજી તરફ ભાજપના શાસનમાં લોકો કર્ફ્યુનું નામ ભૂલી ગયા છે. PM નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની અભેદ્ય દીવાલ ઊભી કરી છે.