ગુજરાતની મીડિયા જગતના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. છેલ્લા અનેક વર્ષોથી ગુજરાતની અગ્રણી ન્યૂઝ ચેનલ VTVમાં એડિટર તરીકે કાર્યરત ઈશુદાન ગઢવીએ રાજીનામું આપ્યું છે.

મહત્વનું છે કે, ઈશુદાન ગઢવી પોતે વર્ષોથી ગુજરાતની મીડિયા જગતમાં પત્રકાર તરીકે કાર્યરત છે. છેલ્લા કેટલાંક સમયથી તેઓને મહામંથન શીર્ષકથી વિખ્યાત શોનું સંચાલન કરતા હતા. નોંધનીય છે કે, મહામંથનમાં રાજ્યના સાંપ્રત મુદ્દાઓ પર ડીબેટ કરવામાં આવે છે. આ શોએ તેમની સફળતામાં ચાર ચાંદ લગાવ્યા હતા અને ખુબ જ લોકપ્રિય બન્યા હતા.ત્યારે સાંપ્રત સ્થિતિઓ જોતા તેઓ VTVના એડિટર તરીકે રાજીનામું આપ્યું છે. ઉલ્લેખનીય છે કે, ખંંભાળિયા જેવા અંતરિયાળ વિસ્તારમાંથી આવતા હોવા છતાં તેઓએ એડિટર સુધીની સફર ખેડી છે.

ઈશુદાન ગઢવીએ અવારનવાર અનેક રાજકીય અને ગુજરાતને લગતા સામાજીક પ્રશ્નો ઊઠાવ્યા છે.ખેડૂતોને લગતા અનેક પ્રશ્નો તેઓએ વારંવાર ટીવી પર ઊઠાવ્યા છે. છેલ્લા 5 વર્ષથી તેઓ ચેનલમાં એડિટર તરીકે ફરજ બજાવતા હતા. પત્રકારત્વની 16 વર્ષની કારકિર્દીને અલવિદા કહ્યું છે. તેઓ બાળકો,યુવાઓ અને મહિલાઓમાં લોકપ્રિય હતા. ટીવી જર્નાલિઝમની તેઓએ દોઢ દાયકાની સફર પુર્ણ કરી છે.

જો કે, આવનારા સમયમાં તેઓ અન્ય ન્યૂઝ ચેનલ સાથે જોડાણ કરે અથવા તો મીડિયા જગતને અલવિદા કહી કોઈ અન્ય ક્ષેત્રમાં જોડાય તે વિગતો સામે આવી નથી. ઈશુદાન ગઢવી સ્વયં હજુ કોઈ ઔપચારિક જાહેરાત કરીને પોતાના પતાં ખોલ્યા નથી. પરંતુ ચોક્કસથી નવા લક્ષ્યાંકોને પ્રાપ્ત કરવા હવે આગેકુચ કરશે.