ભારતીય ટ્રાઇબલ પાર્ટી (BTP)ના પ્રમુખ અને ઝઘડિયાના ધારાસભ્ય છોટુ વસાવાએ મંગળવારે જાહેરાત કરી હતી કે તેમની પાર્ટીએ 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા જનતા દળ (યુનાઇટેડ) સાથે ગઠબંધન કર્યું છે, પરંતુ હવે જાહેરાતના 24 કલાકની અંદર, તેમના પુત્રને અને ડેડિયાપાડાના ધારાસભ્ય મહેશ વસાવાએ આ વાતને નકારી કાઢી છે. જે બાદ પિતા-પુત્ર વચ્ચેના સંબંધો સામાન્ય ન હોવાના સંકેત મળી રહ્યા છે. મહેશ વસાવા કહે છે કે ગઠબંધન અંગેનો નિર્ણય આગામી દિવસોમાં પાર્ટીની સંસદીય બોર્ડની બેઠકમાં લેવામાં આવશે.

સોમવારે છોટુ વસાવાએ જેડીયુના પ્રતિનિધિઓ સાથે બેઠક કરી હતી. જે બાદ તેમણે ગઠબંધનની જાહેરાત કરી હતી. તેમણે એવી પણ જાહેરાત કરી હતી કે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર અને અન્ય જેડી(યુ) નેતાઓ ગુજરાતમાં પ્રચાર કરશે. જો કે મહેશ વસાવા બેઠકમાં હાજર રહ્યા ન હતા. અંગ્રેજી વેબસાઈટ ઈન્ડિયન એક્સપ્રેસ અનુસાર, મંગળવારે જ્યારે મહેશને ગઠબંધન વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે અત્યારે હું આ અંગે કંઈ કહી શકું તેમ નથી. પાર્ટીના વરિષ્ઠ નેતાઓ સાથે બેઠક કર્યા બાદ જ અમે કોઈ નિષ્કર્ષ પર પહોંચીશું.

2002 થી 2017 સુધી ઝગડિયાથી JDU ધારાસભ્ય

છોટુ વસાવા 2002 થી 2017 સુધી ST- અનામત બેઠક ઝગડિયાથી JDU ધારાસભ્ય હતા. એકવાર 1990માં તેઓ આ બેઠક પરથી અપક્ષ તરીકે જીત્યા હતા. 2017માં જેડીયુથી અલગ થયા બાદ તેઓ બીટીપીના ઉમેદવાર તરીકે ચૂંટાયા હતા. છોટુ વસાવા અને તેની ટીમે પણ JDUથી અલગ થઈને BTPની રચના કરી અને ગુજરાતમાં 2017ની ચૂંટણી લડી.