મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારને 121 દિવસ પુર્ણ થતા લોંચ કરી આ વિશેષ પુસ્તિકા

:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સરકારે ૧૨૧ દિવસ પૂર્ણ કર્યા છે. આ અવસરે મુખ્યમંત્રીએ ‘સુશાસનના ૧૨૧ દિવસ’ આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત પુસ્તિકાનું લોન્ચિંગ કર્યું છે.
આ અવસરે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધુ વિસ્તારવાના ઉપાયો- કાર્યો માટે રૂ. ૧૦૦ કરોડનું ફંડીંગ આગામી દિવસોમાં ફાળવાશે. ૩૧ જાન્યુઆરી ૨૦૨૨ સુધીમાં વધુ ૬ જિલ્લાઓ સહિત રાજ્યના ૧૩ જિલ્લાઓ ૧૦૦% નલ સે જલ ઉપલબ્ધ કરાશે. સપ્ટેમ્બર ૨૦૨૨ સુધીમાં સમગ્ર ગુજરાતને ૧૦૦% ‘નલ સે જલ’ યુક્ત રાજ્ય બનવાનો નિર્ધાર કર્યો છે.
પુસ્તિકા લોકાર્પણમાં મહેસુલ મંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી, શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણી, મુખ્યમંત્રીના મુખ્ય અગ્રસચિવ કે. કૈલાસનાથન, મુખ્ય સચિવ પંકજ કુમાર અને વરિષ્ઠ સચિવો તથા પ્રચાર માધ્યમોના પ્રતિનિધિઓ આ અવસરમાં સહભાગી થયા હતા.
મુખ્યમંત્રીએ રાજ્યમાં પ્રાકૃતિક ખેતી બે લાખ ખેડૂતોએ અપનાવી છે અને વનબંધુ ડાંગ જિલ્લો સંપૂર્ણ પ્રાકૃતિક ખેતિયુક્ત જિલ્લો બન્યો છે તેની ભૂમિકા આપી હતી.
તેમણે એમ પણ જાહેર કર્યું કે, રાજ્ય સરકાર પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધુ વિસ્તારવા રૂ. ૧૦૦ કરોડના ફંડીંગ સાથે આગામી દિવસોમાં ગ્રામ્ય કક્ષાએ ખેડૂત તાલીમ કાર્યક્રમો, કૃષિ શિબિર, ગુણવત્તા ચકાસણી લેબોરેટરી, માસ્ટર ટ્રેનર્સ વિગેરેની સુવિધા વિકસાવવાનું કાર્ય આયોજન હાથ ધરશે.
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશના હરેક ઘરને ટેપ વોટર- નળથી જળ પહોચાડવા ‘નલ સે જલ’ની જે સંકલ્પના આપી છે તેમાં સંપૂર્ણ ગુજરાતને આગામી સપ્ટેમ્બર ૨૦૨૨ સુધીમાં આવરી લઇ ૧૦૦ ટકા નલ સે જલ યુક્ત રાજ્ય બનાવવાનો નિર્ધાર મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો હતો. ભૂપેન્દ્ર પટેલે રાજ્યના વધુ ૬ જિલાઓ ડાંગ, મોરબી, ગીર સોમનાથ, જુનાગઢ, જામનગર અને કચ્છને આગામી ૩૧મી જાન્યુઆરી ૨૦૨૨ સુધીમાં શત પ્રતિશત નલ સે જલ અન્વયે આવરી લેવામાં આવશે તેમ પણ ઉમેર્યું હતું. આ ૬ જિલ્લાઓ સાથે રાજ્યમાં કુલ ૧૩ જિલ્લા સંપૂર્ણ નલ સે જલ યુક્ત થશે તેમ તેમણે કહ્યું હતું.