ગુજરાતમાં વિજય રૂપાણીના રાજીનામાં બાદ ભુપેન્દ્ર પટેલ નવા સીએમ તરીકે પસંદ કરવામાં આવ્યા છે. જ્યારે નવા સીએમને લઈને સમાચાર સામે આવ્યા છે. આજે તારીખ ૧૮મી સપ્ટેમ્બર ૨૦૨૧, શુક્રવાર ના રોજ સવારે ૯:૫૦ કલાકે ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ વિશ્વ પ્રસિદ્ધ અક્ષરધામ મંદિરના દર્શને ગયા હતા. ભારતીય સંસ્કૃતિ અને અધ્યાત્મના ધામ સમા વિશ્વ પ્રસિદ્ધ અક્ષરધામના મંદિરના મહંત પૂજ્ય આનંદસ્વરૂપ સ્વામીએ ભગવાનના પ્રાસાદિક પુષ્પહાર પહેરાવી તેઓનું અભિવાદન કરી આશીર્વાદ પાઠવ્યા હતાં.

ત્યારબાદ તેઓએ ભવ્ય અક્ષરધામ મંદિરમાં મંદિરમાં ભગવાન શ્રી સ્વામિનારાયણને પ્રાર્થના કરી હતી. ભગવાનને પુષ્પાંજલિ અર્પણ કરી આશીર્વાદ મેળવ્યા હતા. નીલકંઠ અભિષેક મંડપમાં વૈદિક શાંતિપાઠના મંત્રોચ્ચાર સહિત તેઓએ ભગવાન શ્રી સ્વામિનારાયણના તપોમય સ્વરૂપ શ્રી નીલકંઠવર્ણી પર પવિત્ર જળાભિષેક કર્યો હતો.

આ પછી અક્ષરધામના મંદિરના મહંત પૂજ્ય આનંદસ્વરૂપ સ્વામી તથા કોઠારી સંત પૂજ્ય વિશ્વવિહારી સ્વામી સાથે આધ્યાત્મિક વાર્તાલાપ માટે જોડાયા હતા. માનનીય મુખ્ય મંત્રીશ્રીએ આ પ્રસંગે અક્ષરધામના રચયિતા અને વિશ્વવિખ્યાત સંતવિભૂતિ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની સ્મૃતિ કરી તેઓ પ્રત્યે આદર પ્રગટ કર્યો હતો અને બીએપીએસ સંસ્થાના વર્તમાન અધ્યક્ષ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજને વંદન પાઠવ્યા હતા. સંતોએ માનનીય મુખ્યમંત્રીશ્રીને આશીર્વાદ અને ભગવાનનો પ્રસાદ અર્પણ કર્યો હતો. અત્યંત વ્યસ્ત દૈનિક ક્રમ છતાં અક્ષરધામ મંદિરની યાત્રા દરમિયાન માનનીય મુખ્યમંત્રીશ્રીએ ખૂબ પ્રસન્નતા, હળવાશ અને ભગવાનની દિવ્ય કૃપાનો અનુભવ કર્યો હતો.