મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના મહાનગરો-નગરોને રસ્તા, લાઇટ, પાણી, ગટર જેવી પ્રાથમિક સુવિધાઓથી ઉપર ઉઠીને વર્લ્ડ કલાસ વિકાસ સાધે તેવાં સ્માર્ટ સિટીઝ બનાવવાની ઈચ્છા વ્યકત કરી છે. વિજય રૂપાણીએ કહ્યું છે કે, હવે આપણે 24×7 પાણી, મેટ્રોલ રેલ જેવી સુવિધા, રિયુઝ ઓફ ટ્રિટેડ વોટર, ગ્રીન-કલીન ટ્રાન્સપોર્ટેશન અને ડિઝીટલ સેવાઓથી સ્માર્ટ-સસ્ટેઇનેબલ શહેરોના નિર્માણ સાથે આયોજનબદ્ધ વિકાસ અને પ્રગતિની નવી દિશા લીધી છે.

વિજય રૂપાણીએ રાજ્યના પાટનગર ગાંધીનગર મહાનગરમાં રૂ. ૩૯પ કરોડના વિવિધ વિકાસ કામોના ડિઝીટલી લોકાર્પણ-ખાતમૂર્હત સંપન્ન કર્યા હતા. આ પ્રસંગે ગાંધીનગર મહાપાલિકા તંત્ર અને પદાધિકારીઓને ખૂબ જ ટૂંકા સમયમાં આ વિકાસકામો માટે અભિનંદન પાઠવ્યા હતા. છેલ્લા એક-સવા વર્ષથી કોરોના સંક્રમણની વ્યાપકતા વચ્ચે પણ ગુજરાતની વિકાસ ગતિ અટકી નથી. જ્યાં માનવી ત્યાં સુવિધાના મંત્ર સાથે આ સરકારે કોરોના કાળમાં રૂ. ર૮ હજાર કરોડના વિકાસ કામો હાથ ધર્યા છે.

તેની સાથે ગાંધીનગરના મેયર રિટાબહેન પટેલે સૌને આવકારી રૂ. ૩૧૭ કરોડના વિવિધ ખાતમૂર્હત અને રૂ. ૭૮ કરોડના લોકાર્પણ કામોથી પાટનગરમાં શહેરી જનજીવન સુખકારી સુવિધામાં વૃદ્ધિ થશે તેનો આનંદ વ્યકત કર્યો હતો. સીએમના હસ્તે આ અવસરે ખાતમૂર્હત થયેલા કામોમાં મુખ્યત્વે સોલીડ વેસ્ટ કલેકશન, હયાત આસ્ફાલ્ટ રોડ રિસરફેસ, સી.સી.રોડ નિર્માણ, પાટનગરના ૬ પ્રદેશદ્વાર પર ગેન્ટ્રી, બે અંડર પાસ, ભૂગર્ભ ગટરના કામોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત મહાપાલિકા કચેરી લોકાર્પણ, નવા વ્હીકલ પૂલનું બાંધકામ અને ચ-૦ સર્કલ ખાતે ૩૦ મીટર ઊંચા રાષ્ટ્રધ્વજ પોલના કામોના ડિઝીટલી લોકાર્પણ-ખાતમૂર્હત મુખ્યમંત્રીએ કર્યા હતા.