સુરતમાં કોલસાના ભાવ કમરતોડ વધારો કરવામાં આવ્યો છે. આ કારણોસર કોલસાના ભાવ વધારાની અસર સુરતના પ્રોસેસિંગ જોબ ઉપર પડી છે. બે વર્ષમાં કોલસા સ્ટીલ અને કેમિકલના ભાવ 110 ટકા વધ્યા છે. કોલસાના ભાવમાં વધારો થતાં સાઉથ ગુજરાત ટેક્સટાઇલ્સ પ્રોસેસિંગ એસોસિએશન દ્વારા મહત્વનો નિર્ણય કરાયો છે.

આ બાબતમાં એસોસિએશન દ્વારા જોબ ચાર્જમાં 10 ટકાનો વધારો કરવામાં આવ્યો છે અને આ ભાવ વધારો એપ્રિલ મહિનાથી લાગુ કરવામાં આવશે. ભાવ વધારો કરવા બાબતે ચર્ચા-વિચારણા કરવા એસોસિએશન દ્વારા મિલ માલિકો સાથે પણ ચર્ચા કરવામાં આવી હતી. એસોસિએશન દ્વારા મિલમાલિકોની એક બેઠક બોલાવ્યા બાદ સર્વસંમતિથી નિર્ણય કરવામાં આવ્યો હતો.

જ્યારે મિલ માલિકોએ જણાવ્યું હતું કે, માત્ર કોલસામાં જ નહીં પરંતુ બે વર્ષના સમયમાં સ્ટીલ અને કેમિકલના ભાવ પણ 110 ટકા વધ્યા છે. જોબ વર્કના ભાવમાં વધારો કરવામાં નથી આવ્યો, જેથી નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે. એટલા માટે પ્રતિ મીટરે પ્રોસેસીંગ જોબ ચાર્જમાં એક રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.