રાજ્યમાં ફરીથી ઠંડીનો દોર શરૂ થઈ ગયો છે. રાજ્યમાં લઘુત્તમ તાપમાનનો પારો ગગડ્યો છે. જ્યારે હજુ પણ રાજ્યમાં ઠંડી વધવાના અણસાર જોવા મળી રહ્યા છે. જ્યારે આ ઠંડીની મજા માણતા સવારમાં જોગીંગ કરતા લોકો જોવા મળી જાય છે.

રાજ્યભરમાં ઠંડીની શીતલહેર છવાયેલ છે. રાજ્યના મોટાભાગના વિસ્તારમાં લઘુત્તમ તાપમાનનો પારો ગગડ્યો છે. કચ્છનું નલિયા 5.4 ડીગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહેલ છે. અમદાવાદમાં 11.7 ડીગ્રી તાપમાન નોંધાયું છે. રાજ્યમાં હજુ થોડા દિવસ કોલ્ડવેવ રહેશે. જ્યારે અમદાવાદવાસીઓ આ ઠંડીમાં ઠુંઠવાયા છે.

તેની સાથે મોર્નિંગ વોકર્સ અને કસરત કરતા લોકોની સંખ્યામાં વધારો થયો છે. જ્યારે હવામાં ભેજનું પ્રમાણ વધવાના કારણે ગાઢ ધુમ્મસ સાથે ઠંડીનો ચમકારો વધ્યો છે. ધુમ્મસ ભર્યું વાતાવરણ હોવાના કારણે વાહનચાલકોને વાહનોની લાઈટ્સ ચાલુ રાખવાની ફરજ પડી હતી. તેના લીધે સવારમાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.