રાજ્યમાં છેલ્લાં કેટલાંક સમયથી સરકાર અને નાગરિકો કોરોના વાયરસના અસ્તિત્વને ભૂલી બેદરકારી દાખવી રહ્યા છે. જેનાં કારણે કોરોનાના કેસોમાં સતત ધીમો વધારો જોવા મળી રહ્યો છે. કોરોનાની પહેલી લહેરમાંથી માંડ લોકોને કળ વળી હતી ત્યાં કોરોનાની બીજી લહેરે દાઝ્યા પર ડામ આપ્યો હતો, ત્યારે હવે કોરોના ના નવા વેરિયટ આ તમામ રેકોર્ડ તોડી રહ્યા છે. જેને લઈને ચિંતા ઉભી થઇ રહી છે.

સુરત શાળાઓમાં પાલિકા દ્વારા ટેસ્ટીંગ શરૂ કરવામાં આવ્યું છે. 24 કલાકમાં 15 વિદ્યાર્થીઓ પોઝિટિવ આવ્યા હતા. શાળામાં એસઓપીનું પાલન પર પાલિકાની નજર રાખવામાં આવી છે. રાંદેરની પ્રેસિડેન્સી શાળામાં આરોગ્ય વિભાગની ટિમ દ્વારા ટેસ્ટિંગ શરુ કરવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, કોરોનાનો કહેર હવે સ્કૂલોમાં સતત જોવા મળી રહ્યો છે. જેના લીધે સરકારની સતત ચિંતામાં વધારો થઈ રહ્યો છે. કેમ કે છેલ્લા થોડા દિવસોથી શાળામાંથી સતત કોરોનાના કેસ સામે આવી રહ્યા છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 573 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે 102 દર્દી કોરોનાની સારવાર દરમિયાન સાજા થયા છે. જ્યારે અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 269 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે રાજ્યમાં એક્ટિવ કેસ કુલ 2371 પહોંચી ગયા છે. રાજકોટ શહેર અને અરવલ્લી જિલ્લામાં 1-1 નું મોત નીપજ્યું છે.