ગુજરાતમાં કોરોના નો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે ત્રણ દિવસ કોરોના કેસોમાં ઘટાડા થયા બાદ ફરીવાર કોરોના સંક્રમણમાં વધારો થઈ રહ્યો છે. ગઈકાલે કોરોનાના નવા 13050 કેસો નોંધાયા હતા. 1, 2 અને 3 મે કોરોના ના કેસોમાં ઘટાડો થયો હતો. જયારે ગઈકાલે 4 મે એ ફરીવાર કોરોના કેસોમાં વધારો થયો છે. ત્રણ દિવસ 13 હજારથી નીચે નોંધાયેલા કેસોએ હવે સપાટી વટાવી છે. જે વધતા સંક્રમણને અટકાવવા સરકારે રાત્રી કર્ફ્યુ સહિતના નિયંત્રણો જારી રાખ્યા છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 13,050 નવા કોરોના કેસ નોંધાયા છે. તો બીજી તરફ માત્ર 12,121 લોકો કોરોનાને મ્હાત આપીને સાજા પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 4,64,396 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. જો કે, રાજ્યનો રિકવરી રેટ આજે 74.85 ટકાએ પહોંચ્યો હતો. રાજ્યમાં એક્ટિવ કેસની વાત કરીએ તો કુલ 1,48,297 એક્ટિવ દર્દી છે, જે પૈકી 778 લોકો વેન્ટિલેટર પર છે અને 1,47,715 લોકો સ્ટેબલ છે. 4,64,396 લોકોને ડિસ્ચાર્જ અપાઇ ચુક્યું છે. 7,779 લોકોનાં મોત નિપજ્યાં છે.

અત્યાર સુધીમાં 1,00,20,449 વ્યક્તિઓનું પ્રથમ ડોઝનું અને 26,82,591 વ્યક્તિઓનું બીજા ડોઝની રસી અપાઇ ચુકી છે. આ પ્રકારે કુલ 1,27,03,040 રસીકરણના ડોઝ આપવામાં આવ્યા. આજે 18 થી 44 વર્ષ સુધીના 52,528 વ્યક્તિઓને પ્રથમ ડોઝનું રસીકરણ કરવામાં આવ્યું છે. તેમજ 60 વર્ષથી વધુ વયના અને 45-60 વર્ષનાં કુલ 22,794 વ્યક્તિઓનું પ્રથમ ડોઝ અને 45,281 વ્યક્તિઓનું બીજા ડોઝનું રસીકરણ કરાયું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીની કોઇ ગંભીર આડઅસર જોવા મળી નથી.