રાજ્યમાં હજી ભારે વરસાદ માટે રાહ જોવી પડશે. હવામાન વિભાગ દ્વારા અનુમાન લગાવવામાં આવ્યું છે 17 ઓગસ્ટ બાદ વરસાદી સિસ્ટમ સક્રિય થઇ શકે છે. રાજ્યમાં ત્રણ દિવસ વરસાદી ઝાપટા પડી શકે છે. રાજ્યમાં હજી 47 ટકા વરસાદ ઘટ રહેલા છે. રાજયમાં વરસાદી માહોલ યથાવત રહેશે પરંતુ કેટલાક વિસ્તરાઓમાં જ વરસાદી ઝાપટા પડશે.

નોંધનીય છે કે, ભાવનગર શહેરમાં લાંબા સમય બાદ વરસાદી માહોલ છવાતા લોકોએ રાહત અનુભવાઈ છે. શહેરના જશોનાથ ચોક, ભીડભંજન ચોક, નવાપરા વિસ્તાર, કાળાનાળા ચોક, વાઘાવાડી રોડ, શિવાજી સર્કલ, ભરતનગર, હાદાનગર સહિતના વિસ્તારો બાદ વરસાદનું આગમન થયું હતું. ભાવનગર જિલ્લામાં અત્યાર સુધી વરસેલા વરસાદના આંકડા પર નજર કરવામાં આવે તો ભાવનગર શહેરમાં અત્યાર સુધી 37 ટકા, ગારિયાધારમાં 56.64 ટકા, ઘોઘામાં 32.93 ટકા, જેસરમાં 21.36 ટકા, મહુવામાં 40.18 ટકા, પાલિતાણામાં 45.45 ટકા, શિહોરમાં 20.79 ટકા, વલ્લભીપુરમાં સિઝનનો 34.56 ટકા વરસાદ પડ્યો છે.

અમરેલીના દરિયાકાંઠા જાફરાબાદ પંથકમાં વરસાદનું આગમન થયું છે. વરસાદના જોરમાં ધીમે-ધીમે વધારો થઈ રહ્યો છે. જાફરાબાદ શહેર અને તેની આજુબાજુના વિસ્તારમાં પણ વરસાદ શરૂ થયો છે. છેલ્લા થોડા સમયથી વરસાદ હાથતાળી આપી ચાલ્યો જાય હતો. જ્યારે જાફરાબાદ પંથકમાં વરસાદ પડતા ખેડૂતો ખુશાલી જોવા મળી છે. તેમના પાકને હાલ વરસાદની ખુબ જરૂરીયાત છે.