તાજેતરમાં જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી રાજ્યમાં યોજાઈ, જેમાં તમામ રાજકીય પક્ષોએ રેલીઓ સહિત તમામ રાજકીય તાયફાઓનું આયોજન કર્યું હતું. ત્યારબાદ રાજ્યમાં જાણે કોરોનાનો વિસ્ફોટ થયો હોય તેમ કોરોનાના કેસમાં રોકેટ ગતિએ વધારો થયો.

ત્યારે કોરોનાના સંક્રમણને કાબુમાં લેવા રાજ્ય સરકારે ધૂળેટીના તહેવાર પર કેટલાંક પ્રતિબંધો મુક્યા છે. જાહેરમાં ધૂળેટીના પર્વની ઊજવણી પર પ્રતિબંધ મુકતા વિવાદ શરૂ થયા છે. ધુળેટીના તહેવારની ઊજવણીને લઈને ઇવેન્ટ મેનેજમેન્ટ સાથે જોડાયેલા લોકોએ સરકાર પાસે માંગ કરી છે.
ઈવેન્ટ મેનેજમેન્ટ સાથે સંકળાયેલા લોકોએ છૂટછાટ સાથે ધુળેટીના તહેવારની ઉજવણી કરવા દેવામાં આવે તેવી માંગ કરી છે.

ઈવેન્ટ મેનેજમેન્ટ સંચાલકોનું કહેવું છે કે, ગતવર્ષે પણ કોરોનાના કારણે ઉજવણી થઇ ન હતી. ત્યારે થોડી છુટછાટ સાથે સરકાર મંજુરી આપે તે જરૂરી છે. જો સરકાર મંજુરી આપશે તો સરકારની SOP પ્રમાણે અમે ઉજવણી કરીશું તેવી ખાતરી પણ આપીએ છીએ. ધુળેટીના ઉજવણીના પ્રતિબંધના કારણે ઇવેન્ટ મેનેજમેન્ટ સાથે જોડાયેલા લોકોને કરોડો રૂપિયાની નુકસાની થશે.