ગુજરાતનાં શહેરોમાં હાડ થિજવતી ઠંડી છે. ગુજરાતમાં ફુલ ગુલાબી ઠંડીની શરૂઆત થઇ ગઇ છે ત્યારે આગામી સમયમાં હજુ પણ ઠંડીનો પારો ગગડવાની આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગે બે દિવસ યલો એલર્ટ જાહેર કર્યું છે.

ગુજરાતભરમાં હજુ પણ ઠંડીનું જોર વધી શકે છે. આગામી 48 કલાક રાજ્યમાં કોલ્ડવેવની શક્યતા છે. અમદાવાદ, અમરેલી, કચ્છ અને બનાસકાંઠામાં ઠંડી રહેશે. 16મી જાન્યુઆરી સુધી રાજ્યમાં ઠંડા પવનો ફુંકાશે. હવામાન વિભાગે બે દિવસ યલો એલર્ટ જાહેર કર્યું છે.

સુરત સહિત દક્ષિણ ગુજરાત ઠંડીમાં ઠુઠવાયું છે. સુરતમાં છેલ્લા 8 વર્ષ નો રેકોર્ડ તૂટ્યો છે. સુરતમાં તાપમાન નો પારો 11.02 ડીગ્રી સુધી ગગડયો છે.
સુરતમાં ભર બપોરે વાદળછાયું વાતાવરણ જોવા મળે છે. ઠંડીની સાથે પવન ફૂંકાતા લોકો ને ભરબપોરે સ્વેટર પહેરવાની ફરજ પડી છે.

રાજ્યમાં હાડ થીજવતી ઠંડીનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે. જ્યારે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત રહેવાનો છે. આગામી દિવસોમાં પવનની ગતિ પણ તેજ રહેશે. મહત્તમ તાપમાન નીચું હોવાના કારણે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે.

તેની સાથે રાજ્યમાં ઉત્તરીય પવનોને લીધે રાજ્યભરમાં ઠંડી વધશે. રાજ્યમાં મોટા ભાગના વિસ્તરોમાં 15 ડિગ્રીથી નીચે નોંધાયું છે. અમદાવાદનું લઘુતમ તાપમાન 9.2 ડિગ્રી નોંધાયું છે. ગાંધીનગર લઘુતમ તાપમાન 8 ડિગ્રી સાથે ઠંડુગાર છે. વડોદરા લઘુતમ તાપમાન 11.3 ડિગ્રી નોંધાયું છે. રાજકોટનું લઘુત્તમ તાપમાન 12.7 ડિગ્રી નોંધાયું છે. ભાવનગર 13 ડિગ્રી સાથે ઠંડુંગાર છે.

જ્યારે રાજ્યભરમાં ઠંડીનો ત્રીજો રાઉન્ડ શરુ થયો છે. ગાત્રો થીજવતી ઠંડીની સાથે હેલ્થ માટે શહેરીજનોની મોર્નિંગ વોક કરતા જોવા મળ્યા છે. ઠંડી અને કોરોનાના વધતા કેસોને કારણે સૂપ, ઉકાળાની માંગમાં વધારો થયો છે. શહેરીજનોએ કોરોનાથી બચવા ઉકાળાની માંગ કરી રહ્યા છે. ઉકાળાની સાથે બીટ, સરગવો, આમળા, ઘઉંના જવારા અને ગાજર સહિતના સૂપની માંગમાં વધારો થયો છે.