રાજ્યમાં કાતિલ ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે. ઉત્તર ભારતમાં હિમવર્ષાને લીધે આજથી ઠંડીનું જોર વધ્યું છે. જે આજે વહેલી સવારથી જ તેજ પવનો સાથે ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં લઘુતમ તાપમાન 12.4 ડિગ્રી સાથે ઠંડી વધી છે. ગાંધીનગર લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી સાથે ઠંડુગાર થયું છે. વડોદરામાં લઘુતમ તાપમાન 13.6 ડિગ્રી નોંધાયું છે. રાજકોટમાં લઘુતમ તાપમાન 14.7 ડિગ્રી સાથે ઠંડુંગાર બન્યું છે. નલિયા 9 ડિગ્રી સાથે ઠંડુંગાર થયું છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ હવે કાતિલ ઠંડી શરૂ થશે અને લઘુતમ તાપમાનનું પ્રમાણ સતત ઘટતું જશે.

રાજ્યના મોટાભાગના શહેરોમાં ઠંડીનો ચમકારો વધ્યો છે. આગામી ચાર દિવસમાં શહેરમાં ઠંડીનો પારો નીચે જવાની આગાહી કરવામાં આવી છે. ભારતના હવામાન વિભાગના નિષ્ણાંતોએ અનુમાન લગાવ્યું છે કે, આ વર્ષે સામાન્ય કરતાં વધું ઠંડી પડી શકે છે. ઉત્તર દિશામાંથી ફૂંકાઈ રહેલા ઠંડા પવન, ભેજ વાળા વાતાવરણ અને ઠારના કારણે ઠંડીની તીવ્રતા વધી ગઈ છે.

નોંધનીય છે કે, રાજ્યમાં હવામાનની સચોટ આગાહીઓ કરવા માટે જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે શિયાળાનો વરતારો આપ્યો હતો. તેમણે સમગ્ર ઋતુ કેવી રહેશે તેના અંગે અનુમાન વ્યક્ત કર્યુ છે. ગુજરાતમાં પણ બે ત્રણ દિવસોથી ‌વહેલી પરોઢે કડકડતી ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે. ડિસેમ્બરના પ્રથમ સપ્તાહથી વધુ ઠંડી પડવાનું અનુમાન લગાવવામાં આવ્યું હતું.

રાજ્યમાં નવા વર્ષમાં જાન્યુઆરીની શરુઆતમાં માવઠું થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સાથે રાજ્યના હવામાનમાં પલ્ટો આવશે અને ઠંડીનું જોર વધશે તેવી પણ સંભાવના વ્યક્ત કરાઈ રહી છે. દેશના ઉત્તરીય-પર્વતીય પ્રદેશોથી લઈને પંજાબ, હરિયાણા, યુપી, મધ્યપ્રદેશ અને રાજસ્થાનના ભાગો સુધીમાં ભારે માવઠું આવી શકે. જેની અસર ગુજરાતના ભાગોમાં પણ થવાની શક્યતા રહેશે.