Gujarat Vidhan Sabha 2022: ભારતીય જનતા પાર્ટીની ટોચની નેતાગીરી આજે એટલે કે બુધવારે ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ના ઉમેદવારો અંગે ચર્ચા કરશે. ભાજપ રાજ્યમાં સાતમી વખત જીત તરફ નજર દોડાવી રહ્યું છે. ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિ, જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, પક્ષ પ્રમુખ જેપી નડ્ડા અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહનો પણ સમાવેશ થાય છે, ઉમેદવારોની યાદીને અંતિમ સ્વરૂપ આપવા માટે સાંજે બેઠક કરશે.

સૂત્રોએ જણાવ્યું કે ભાજપ બેઠક દરમિયાન તમામ 183 ઉમેદવારોને અંતિમ રૂપ આપી શકે છે અને આગામી થોડા દિવસોમાં યાદી જાહેર કરી શકે છે. સીટ શેરના સંદર્ભમાં નવો રેકોર્ડ બનાવવાના ઉદ્દેશ્ય સાથે પાર્ટી સંગઠનમાં નવી ઉર્જા ફેલાવવા માંગે છે. આથી અનેક વરિષ્ઠ નેતાઓની હકાલપટ્ટીની શક્યતા નકારી શકાય તેમ નથી.

સૂત્રોએ એમ પણ કહ્યું છે કે પાર્ટીને સૂચનો મળ્યા છે કે તેણે આ વખતની વિધાનસભા ચૂંટણીમાં નવા અને યુવા ચહેરાઓને તક આપવી જોઈએ. 2017ની ચૂંટણીમાં ભાજપે 99 બેઠકો જીતી હતી અને તેની મુખ્ય હરીફ કોંગ્રેસને 77 બેઠકો મળી હતી. ગુજરાતમાં આ વખતે બે તબક્કામાં ચૂંટણી યોજાશે. 1 અને 5 ડિસેમ્બરે મતદાન થશે જ્યારે મતગણતરી 8 ડિસેમ્બરે થશે.

ગુજરાત વિધાનસભામાં ભાજપના 111 સભ્યો

હાલમાં કોંગ્રેસના અનેક ધારાસભ્યોના પક્ષપલટા બાદ વિધાનસભામાં ભાજપ પાસે 111 સભ્યો છે. માનવામાં આવી રહ્યું છે કે આ વખતે ભાજપ ફરીથી સિટિંગ ધારાસભ્યોને ટિકિટ આપે તેવી શક્યતા ઓછી છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રવેશને લઈને આ વખતે સ્પર્ધા ત્રિકોણીય થવાની ધારણા છે.