ગુજરાતને મળશે મેગા ટેક્સટાઈલ પાર્ક, ટૂંક સમયમાં મોટી જાહેરાતની સંભાવના

મેગા ઇન્ટીગ્રેટેડ ટેક્સટાઇલ રીજીયન અને એપેરલ યોજના હેઠળ ગુજરાતને મેગા ટેક્સટાઇલ પાર્ક મળી શકે છે. દેશના 10 રાજ્યો– ગુજરાત, તામિલનાડુ, પંજાબ, ઓરિસ્સા, આંધ્રપ્રદેશ, રાજસ્થાન, આસામ, કર્ણાટક, મધ્યપ્રદેશ અને તેલંગાણા રાજ્યો તરફથી મેગા ટેક્સટાઇલ પાર્ક સ્થાપવા કેન્દ્રને દરખાસ્ત મોકલાઈ છે.
કેન્દ્ર સરકાર દેશમાં સાત મેગા ટેક્સટાઇલ પાર્કને મંજૂરી આપશે. આ પાર્ક માટે પાંચ વર્ષમાં 4445 કરોડ રુપિયા કેન્દ્ર સરકાર ફાળવશે. મેગા ટેક્સટાઇલ પાર્ક ગુજરાતને મળે તે માટે એડી ચોટી ના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મેગા ટેક્સટાઇલ પાર્ક માટે જીઆઇડીસી દ્વારા જમીન શોધવાની કામગીરી ફાઇનલ તબક્કામાં અત્યારે છે. ભરૂચ, વડોદરા, સુરત, અમદાવાદ (ધોલેરા) અને નવસારી જિલ્લામાં જમીન માટે સર્વેક્ષણ શરુ કરાયુ છે. જીઆઇડીસી દ્વારા શોધાયેલી પાંચ પૈકી ત્રણ જગ્યા સાનુકૂળ મળી છે.
સુરત અને અમદાવાદના ધોલેરાની જમીનમાં પાર્ક બની શકે તેવી સ્થિતિ નહીં હોવાનો અભિપ્રાય રજૂ થયો છે. છતાંય પાર્ક માટે અમદાવાદ અને સુરત ના આસપાસ ના વિસ્તારોની પસંદગીની સંભાવના વધુ છે. મેગા ટેક્સટાઇલ પાર્ક ગુજરાતને મળી શકે છે. ટૂંક સમયમાં જ આ મુદ્દે મોટી જાહેરાત થઈ શકે છે.