કોરોના કેસ વધી રહયા હોવા છતાં લોકોમાં હજુ બેદરકારી જોવા મળી રહી છે બીજી તરફ સરકારી મેળાવડાનાં આયોજનોથી આગામી દિવસોમાં કોરોનાની સ્થિતિ હજુ જોખમી થશે તેવી ભીતિ સેવાઈ રહી છે. જો કે હાલમાં લોકો અને સરકારની બેદરકારીના કારણે કોરોના કેસોનો રાફડો ફરી ફાટ્યો છે. જ્યારે સરકારના વિવિધ કાર્યક્રમો અને ખાનગી કાર્યક્રમોમાં કારણે નેવે મુકાયેલી કોરોનાની ગાઈડલાઇનનું પરિણામ હવે સામે આવી રહ્યું છે ત્યારે ફરી કોરોના રાજકોટમાં ટોપ ગિયરમાં આવી ગયો છે. જે ચિંતાનો વિષય બની રહ્યો છે. રાજકોટમાં આજે ભાજપ દ્વારા રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું.

જ્યારે રાજકોટમાં કાર્યકર્તાઓના સંવાદ કાર્યક્રમમાં મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલનું મોટું નિવેદન સામે આવ્યું છે. કોરોનાની સ્થિતિ હાલ કાબુમાં છે. હાલના તબક્કે નિયંત્રણો નાખવાની કોઇ જરૂરિયાત દેખાતી નથી. માસ્ક અંગે સીએમએ કાર્યકર્તાઓને કરી ટકોર પહેલા ભાજપનો કાર્યકર માસ્ક જરૂર પહેરે. લોકોને દંડ કરી તે પહેલા આપણે નિયમોનું ચુસ્ત પાલન કરવું જરૂરી છે.

ઉલ્લેખનીય છે કે, કોરોનાનો કહેર હવે સ્કૂલોમાં સતત જોવા મળી રહ્યો છે. જેના લીધે સરકારની સતત ચિંતામાં વધારો થઈ રહ્યો છે. કેમ કે છેલ્લા થોડા દિવસોથી શાળામાંથી સતત કોરોનાના કેસ સામે આવી રહ્યા છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 573 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે 102 દર્દી કોરોનાની સારવાર દરમિયાન સાજા થયા છે. જ્યારે અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 269 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે રાજ્યમાં એક્ટિવ કેસ કુલ 2371 પહોંચી ગયા છે. રાજકોટ શહેર અને અરવલ્લી જિલ્લામાં 1-1 નું મોત નીપજ્યું છે.