આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે. ભાજપ શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 71 મો જન્મદિવસ ભવ્ય રીતે ઉજવવાની તૈયારી કરી રહ્યો છે. આ માટે ભાજપે 20 દિવસના રાષ્ટ્રવ્યાપી અભિયાનનું આયોજન કર્યું છે. તેને સેવા અને સમર્પણ અભિયાન નામ આપવામાં આવ્યું છે. આ અભિયાન 7 ઓક્ટોબરે સમાપ્ત થશે. શુક્રવારે વડાપ્રધાન મોદીના જન્મદિવસે રસીકરણનો રેકોર્ડ બનાવવાની પણ તૈયારી છે. આ દરમિયાન રેકોર્ડ 1.5 કરોડ લોકોને રસી આપવાની તૈયારી કરવામાં આવી રહી છે.

સુરતમાં આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઊજવણી કરવામાં આવી હતી. તેમના જન્મદિન નિમિતે 71 કિલો ની કેક તૈયાર કરવામાં આવી હતી. આ કેક પૌષ્ટિક તત્વો થી બનેલી હતી. કુપોષિત બાળકોને આ કેકનું વિતરણ કરવામાં આવશે. સુરતના રાધાકૃષ્ણ મંદિરમાં આ આયોજન કરવામાં આવ્યું હતું.

સવારે 8 વાગ્યાથી કોરોના રસી મૂકવાનું શરૂ

શુક્રવારે સવારના 8 વાગ્યાથી કોરોના રસી મૂકવાનું શરૂ થશે, જેના માટે 8 તાલુકાઓ અને નગરપાલિકા વિસ્તારોમાં 400 કેન્દ્રો રાખવામાં આવ્યાં છે પાત્રતા ધરાવતા લોકો પહેલો કે બીજો ડોઝ સહેલાઇથી લઇ શકશે. લોકો આધારકાર્ડ, મતદાર ફોટો ઓળખ કાર્ડ કે, પાસપોર્ટ જેવું કોઈપણ ઓળખ કાર્ડ લઈ રસી મૂકાવવા જાય એવો તેમણે અનુરોધ કર્યો છે.

દેશવાસીઓએ રસી કરાવીને મોદીને જન્મદિવસની આપે ભેટ: માંડવિયા

કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ગુરુવારે દેશવાસીઓને તેમના પરિવારના સભ્યો અને પ્રિયજનોને રસી કરાવીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જન્મદિવસની ભેટ આપવા અપીલ કરી હતી. માંડવિયાએ ટ્વિટ કર્યું હતું કે, “વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બધાને મફત રસી આપીને રાષ્ટ્રને ભેટ આપી છે. તેમણે કહ્યું કે આપણા પ્રિય પ્રધાનમંત્રીજીનો શુક્રવારે જન્મદિવસ છે, ચાલો રસી સેવા કરીએ અને તે પ્રિયજનો, પરિવારના સભ્યો અને સમાજના તમામ વર્ગો માટે રસીકરણ કરવામાં મદદ કરીએ, જેમની રસી આપવામાં આવી નથી અને આ પ્રધાનમંત્રી માટે જન્મદિવસની ભેટ હશે.

ઉલ્લેખનીય છે કે સમગ્ર દેશમાં ફ્રન્ટ લાઇન વર્કરોનું રસીકરણ શરૂ કરનાર ગુજરાત પ્રથમ રાજ્ય છે. તા. 15 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં કુલ 5.33 કરોડ રસીના ડોઝ આપી દેવામાં આવ્યા છે. રાજ્યમાં પ્રતિ દસ લાખ વસ્તીએ 8,34,787 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. દેશમાં મોટા રાજ્યોમાં ગુજરાત અગ્રેસર સ્થાન ધરાવે છે. રાજ્યમાં કુલ 5,906 ગામડાઓ, 104 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, 14 શહેરી આરોગ્ય કેન્દ્ર તથા 17 તાલુકાઓમાં તમામ 18 વર્ષથી ઉપરના વ્યક્તિઓને રસીનો પ્રથમ ડોઝ આપી 100 ટકા રસીકરણ કરવામાં આવ્યું છે.