કોરોનાની વેક્સિન અને ઓમિક્રોન અંગે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલનું મોટું નિવેદન

આરોગ્ય મંત્રી ઋષિકેશ ભાઈ પટેલે જણાવ્યું છે કે, આરોગ્ય ક્ષેત્રે આવી રહેલા વિવિધ પડકારોને પહોંચી વળવા માટે સતત સંશોધનો કરી રહેલા IIPHG સંસ્થાના વિદ્યાર્થીઓ પ્રિ-ઈન્વેન્ટીવ કામગીરી થકી સમાજને આરોગ્ય સુરક્ષા કવચ પૂરું પાડશે.
રાજયના આરોગ્યમંત્રી ઋષિકેશ ભાઈ પટેલે જણાવ્યુ છે કે, દેશભરના નાગરિકોને આરોગ્ય ક્ષેત્રે વધુને વધુ સુવિધાઓ સરળતાથી મળી રહે એ માટે આરોગ્ય ક્ષેત્રે આવી રહેલા વિવિધ પડકારોને પહોંચી વળવા માટે સતત સંશોધનો કરી રહેલા IIPHG સંસ્થાના વિદ્યાર્થીઓ પ્રિ-ઈન્વેન્ટીવ કામગીરી થકી સમાજને આરોગ્ય સુરક્ષા કવચ પૂરું પાડશે તેવો વિશ્વાસ તેમણે વ્યકત કર્યો હતો.
આજે ઈન્ડીયન ઈન્સ્ટિટયુટ ઑફ પબ્લીક હેલ્થ ગાંધીનગર ખાતે AICES-2021 ત્રિ દિવસીય કોન્કલેવનો શુભારંભ કરાવતા મંત્રી પટેલે કહ્યુ કે, તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આરોગ્ય ક્ષેત્રે નવીન સંશોધનો તથા સમાજ જાગૃતિ દ્વારા રોગોના નિદાન તથા સારવારના ઉદ્દેશ સાથે દેશની સૌ પ્રથમ સંસ્થા IIPHG નુ ગાંધીનગર ખાતે વર્ષ ૨૦૦૯ મા ભૂમિપૂજન કર્યુ હતું એ સંસ્થા આજે વટવૃક્ષ બની ગઈ છે અને પ્રી ઈન્વેન્ટીવ અને કોમ્યુનીટી બેઈઝડ સારવાર ક્ષેત્રે અપ્રતિમ કામગીરી કરી રહી છે એ આપણા માટે ગૌ બાબત છે.
મંત્રી પટેલે ઉમેર્યુ કે, આવનાર સમયમા નવા નવા રોગોના પડકારો સામે નાગરીકોને સુરક્ષિત કરવા માટે વડાપ્રધાનના સપનાને સાકાર કરવા માટે આ સંસ્થા દ્વારા જે પ્રયાસો થઈ રહ્યા છે તે સરાહનીય છે. એટલુ જ નહી તબીબો સહિત તમામ કેડરના આરોગ્ય કર્મીઓને તાલિમબધ્ધ કરવાનુ કામ પણ કરવામા આવે છે. જેના પરિણામે આપણે સૌ સાથે મળીને નાગરિકોને વધુ સુરક્ષિત કરશુ એવો મને દ્રઢ વિશ્વાસ છે.
મંત્રી પટેલે કહ્યુ કે, રાજયના નાગરિકોને વધુ ને વધુ સુરક્ષિત કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજયભરમા નિરામય ગુજરાત અભિયાન હાથ ધરાયુ છે. જેમા સબ સેન્ટરો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સામૂહિક આરોગ્ય કેન્દ્રો પર નાગરિકોના સ્ક્રીનિંગની કામગીરી કરીને જરૂરિયાતમંદોને વિનામૂલ્યે સારવાર પુરી પાડવામા આવે છે જેને વ્યાપક જનપ્રતિસાદ સાપડી રહ્યો છે આ અભિયાનમા પણ આ સંસ્થા દ્વારા સહયોગ મળી રહ્યો છે
તેમણે ઉમેર્યુ કે, બિનચેપી રોગો તથા લાઈફ સ્ટાઈલથી થતા રોગો સંદર્ભે પણ આપણે સૌએ ચોકકસ વિચાર કરીને આ ક્ષેત્રે પણ સંનિષ્ઠ પ્રયાસો આવનાર સમયમાં કરવા પડશે. તેમણે સંસ્થા દ્વારા તૈયાર કરાયેલ વિદ્યાર્થીઓ તથા તાલીમ પામેલ કર્મીઓને આવનાર સમયના પડકારો ક્ષેત્રે પણ સંશોધનો કરવા ભારપૂર્વક અનુરોધ કરીને નયા ભારતના નિર્માણ માટે સંકલ્પબધ્ધ થવા આહવાન કર્યુ હતું.
તેમણે ઉમેર્યુ કે, વૈશ્વિક મહામારી કોરોના સંદર્ભે પણ નાગરિકોને સુરક્ષિત કરવા માટે વડાપ્રધાનશ્રી દ્વારા હિંમતભર્યા નિર્ણયો કર્યા એટલુ જ નહી સંશોધન થકી કોરોના સામે લડવા વેકિસન પણ ઉપલબ્ધ બનાવી વિશ્વના સૌથી મોટુ રસીકરણ અભિયાન હાથ ધર્યુ અને નાગરિકોને સુરક્ષિત કર્યા છે. આવનાર સમયમા ત્રીજા વેવની સંભાવનાઓ વર્તાઈ રહી છે અને ઓમિક્રોનના નવા મ્યુટન્ટના કેસો પણ જોવા મળી રહ્યા છે ત્યારે સરકાર તો તમામ વ્યવસ્થાઓ ગોઠવશે જ, પણ સાથે સાથે સામાજિક સહયોગ પણ એટલો જ અનિવાર્ય છે. અત્યાર સુધી નાગરિકોએ જે સહયોગ આપ્યો છે એવો જ સહયોગ મળશે તો ચોકકસ આપણે આ નવા મ્યુટન્ટથી પણ સુરક્ષિત રહીશુ એવો વિશ્વાસ તેમણે વ્યકત કર્યો હતો.
ઈન્ડીયન ઈન્સ્ટિટયુટ ઑફ પબ્લીક હેલ્થ ગાંધીનગરના ડાયરેકટર ડૉ.દિલીપ માવલંકરે સ્વાગત પ્રવચન કરીને આ ત્રિ-દિવસીય કોન્કલેવનો હેતુ સ્પષ્ટ કર્યો હતો. તેમણે દેશની એક માત્ર આ સંસ્થા ખાતે ચાલતા અભ્યાસક્રમો અને તાલીમની વિસ્તૃત વિગતો આપી હતી. રાજય સરકારના કોમ્યુનીટી હેલ્થ સેન્ટર ખાતે કાર્યરત ૫૦૦૦થી વધુ CHO તથા આયુષ તબીબોને પણ તાલીમ આ સંસ્થા દ્વારા આપવામા આવી છે. કોવિડ મહામારી સામે પણ નાગરિકોને જાગૃતિ માટે પણ પ્રયાસો કરવામા આવી રહ્યા છે તેમ તેમણે ઉમેર્યુ હતું.
આ પ્રસંગે ઈન્ડીયન ઈન્સ્ટિટયુટ ઑફ પબ્લીક હેલ્થ ગાંધીનગરના પ્રાધ્યાપકો, તજજ્ઞો, નિષ્ણાતો તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. ત્રિ-દિવસીય આ કોન્કલેવમા વિવિધ વિષય નિષ્ણાતો દ્વારા ચર્ચા સત્રો યોજાનાર છે.