માણસાના રીડ્રોલ ગામમાં ચોરીની અનોખી ઘટના સામે આવી છે. માણસામાં બંધ મકાનમાં ચોરી કરવા માટે ઘૂસેલો ચોર શિયાળાની તીવ્ર ઠંડીમાં ઘરમાં જ ગાઢ નિંદ્રામાં સુઈ ગયો હતો. બીજા દિવસે મકાન માલિકે તાળું ખોલતા ચોર ગાઢ નિદ્રા માણી રહ્યો હતો. મકાન માલિકો પોલીસને બોલાવી ને ચોરને ઝડપી પોલીસને સોંપ્યો હતો.

ગાંધીનગરના માણસા તાલુકાના રીદ્રોલમાં ગઈકાલે રાત્રે ચોરીના ઈરાદે બંધ મકાનનું તાળું તોડીને અંદર પ્રવેશ્યો હતો. રાત્રિ દરમિયાન નિરવ શાંતિ વચ્ચે અચાનક બંધ મકાનમાં અવાજ આવતાં પાડોશીએ બહારથી દરજજો બંધ કરી દીધો હતો. ત્યારે આજે સવારે મકાન માલિકે દરવાજો ખોલતાં જ ચોર ટુટયું વાળીને ગાઢ નિંદ્રામાં પોઢી ગયેલી હાલતમાં મળી આવતાં તેને પોલીસને હવાલે કરી દેવામાં આવ્યો હતો.

રાત્રિ દરમ્યાન ચોરે ઘરનો તમામ સર સામાન વેર વિખેર કરી નાખ્યો હતો.તિજોરીનું તાળું પણ તોડી નાખ્યું હતું. જો કે દરવાજો બહારથી બંધ હોવાથી ચોરને ભાગવાનો રસ્તો મળ્યો ન હતો. આખરે હારી થાકીને ચોર શિયાળાની આકરી ઠંડીમાં ઘરનાં ઓરડામાં જઈને બેફિકર થઈને સૂઈ ગયો હતો.