ગુજરાતના અમદાવાદમાં શુક્રવારે ભારે વરસાદ પડ્યો હતો. શહેરમાં ત્રણ કલાકના ગાળામાં ચાર ઈંચ વરસાદ નોંધાયો છે. સાથે જ વરસાદી માહોલ જારી રહેવાનો છે. માહિતી આપતાં હવામાન વિભાગે જણાવ્યું હતું કે આગામી પાંચ દિવસ સુધી ગુજરાતના અનેક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જણાવ્યા અનુસાર, સવારે 6 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધીમાં શહેરના કેટલાક વિસ્તારો જેમ કે ઉસ્માનપુરા, વાડજ, આશ્રમ અને નારણપુરામાં નવ ઈંચ જ્યારે પૂર્વ અમદાવાદ, રખિયાલ અને ગોમતીપુરમાં છ ઈંચ વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત ઓઢવ, બિરાટનગર અને રામોલમાં સાડા પાંચ ઈંચ વરસાદ નોંધાયો છે. પાણી ભરાવાને કારણે અનેક લોકો જામમાં અટવાયા હતા. બીજી તરફ પાણી ઓછુ થયા બાદ સ્થિતિ સામાન્ય થવામાં ત્રણ કલાક જેટલો સમય લાગ્યો હતો.

હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યના ઘણા ભાગો- વલસાડ, નવસારી અને સુરત, દક્ષિણ ગુજરાતમાં રાજકોટ, ગીર-સોમનાથ, અમરેલી, જામનગર, જૂનાગઢ અને કચ્છ ઉપરાંત સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. ઉત્તર ગુજરાતના પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, અમદાવાદ અને મધ્ય ગુજરાતના ગાંધીનગર, આણંદ, પંચમહાલ, મહિસાગર જેવા જિલ્લાઓમાં પણ ભારે વરસાદની સંભાવના છે.