શુક્રવારે મધરાતે વલસાડ શહેર સહિત જિલ્લાના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગે વલસાડ જિલ્લામાં ચોમાસાની શરૂઆતના સંકેત આપ્યા છે. વલસાડ તાલુકામાં 14 મીમી અને કપરાડા તાલુકામાં 2 મીમી વરસાદ નોંધાયો છે. ભારે પવન અને વરસાદના કારણે વલસાડ શહેરના અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. જો કે આગામી એક સપ્તાહમાં સૌરાષ્ટ્રમાં ચોમાસુ દસ્તક આપશે.

હવામાન વિભાગે શુક્રવારથી રાજ્યમાં 5 દિવસ સુધી વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં જૂનના ત્રીજા સપ્તાહમાં ચોમાસું ઓસરી જશે અને જુલાઈના મધ્યમાં અને ઓગસ્ટના પ્રારંભમાં ભારે વરસાદની અપેક્ષા છે. જ્યારે ઓક્ટોબરના ત્રીજા સપ્તાહમાં ચોમાસું વિદાય લઈ શકે છે. કેટલાક આગાહીકારોએ વાવાઝોડાની પણ આગાહી કરી છે.

વડોદરા, ભરૂચ, સુરત, ડાંગ, વલસાડ, તાપી, જૂનાગઢ, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથમાં વરસાદની અપેક્ષા છે. આ સાથે શનિવારે અમદાવાદ, સુરત, નવસારી, તાપી, ડાંગ, વલસાડ, ભાવનગર અને અમરેલીમાં વરસાદની આગાહી છે. હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વીજળીના કડાકા અને ગાજવીજ સાથે વરસાદની આગાહી પણ કરી છે.