વડોદરા વેક્સિન ગ્રાઉન્ડ સામુહિક દુષ્કર્મ અને આપઘાતના કેસ મામલે હજુ સુધી કોઈ ખુલાસો થયો નથી. જે નરાધમોને પકડવા પોલીસ હજુ પણ હવામાં બાચકા મારી રહી છે. એફએસએલ દ્વારા પોલીસને આપેલ મોબાઇલ ચેટિંગ ડેટા માંથી પણ પોલીસને કોઈ મહત્વની વિગતો મળી નથી. નરાધમોને પકડવા પોલીસ હવે CCTV કેમેરા પર વધુ ધ્યાન આપશે. સીસીટીવી ફૂટેજ ને ઝીણવટપૂર્વક તપાસવા માટે એક ખાસ ટીમની રચના કરવામાં આવી છે. એસ.આઈ.ટી દ્વારા દુષ્કર્મના સ્થળ વેક્સિન ગ્રાઉન્ડથી નવેસરથી તપાસ શરૂ કરવામાં આવી છે.

આ સમગ્ર ઘટનાની તપાસ માટે હવે એસઆઈટીએ દુષ્કર્મની ધટના સમયે વેક્સિન ગ્રાઉન્ડ પાસે એક્ટીવ મોબાઈલનું એનાલિસીસ પણ કર્યુ હતું. જેમાં 53 જેટલા મોબાઈલ શંકાસ્પદ જણાયા હતા જેને અલગ તારીને આ મોબાઈલ ધારકોના સ્ટેટમેન્ટ લેવામાં આવ્યા હતા. અને તપાસ હાથ ધરી હતી.

આ ઘટનામાં 18 વર્ષની પીડિતા મૂળ નવસારીની રહેવાસી છે. તે વડોદરાની ઓઆસિસ સંસ્થામાં કામ કરતી હતી. છોકરીની લાશ 04 નવેમ્બરના રોજ વલસાડમાં એક ટ્રેનમાંથી મળી આવી હતી. તપાસ દરમિયાન પોલીસને છોકરીની એક ડાયરી મળી આવી હતી, જેમાં તેણે એવું લખ્યું હતું કે તેના પર રિક્ષાચાલક અને તેના કોઈ સાથી દ્વારા વેક્સિન ગ્રાઉન્ડ પર ગેંગરેપ કરવામાં આવ્યો હતો.

તપાસમાં મળેલી આવેલી ડાયરીમાંથી જાણવા મળ્યું હતું કે, 28મી તારીખે તેની સાથે વેક્સીન ગ્રાઉન્ડ પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું. પીડિત યુવતીએ ઓએસીસ સંસ્થાને પોતાની સાથે થયેલ દુષ્કર્મના ઘટનાની જાણ કરી હતી. જો સંસ્થાએ પોલીસને જાણકારી આપી હોત તો યુવતીનો જીવ બચી ગયો હોત.

જો કે યુવતીનો આત્મહત્યા બાદનો વીડિયો અનેક સવાલો ઊભા કરી રહ્યો છે. યુવતીએ આત્મહત્યા કરી કે તેની હત્યા કરવામાં આવી એ સવાલ પણ હજી વણઉકેલાયો છે.