રાજ્યના 35 લાખ થી વધુ બાળકોને રસી આપવામાં આવશે. સરકાર દ્વારા આયોજન કરવા આજે બેઠક મળશે. આ બેઠક દરમિયાન આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલ પણ હાજર રહેશે. બેઠક પહેલા આરોગ્ય સચિવ જોડે ઋષિકેશ પટેલની બેઠક કરવામાં આવશે. બાદમાં સચિવ મનોજ અગ્રવાલ આરોગ્યના તમામ કર્મચારીઓ સાથે બેઠક કરશે. બાળકોના રસીકરણ બાબતે આજે નિર્ણય થશે. કેવી રીતે બાળકોને ઝડપી રસીકરણ થાય તે બાબતે આયોજન કરવામાં આવશે.

જો કે દેશમાં વધી રહેલા કોરોના વાયરસના નવા વેરિએન્ટ ઓમિક્રોનના ખતરાની વચ્ચે દેશમાં 15થી 18 વર્ષના બાળકોનું વેક્સીનેશન શરૂ કરવામાં આવશે. જેને લઈને PM મોદીએ 25 ડિસેમ્બરે 15 થી 18 વર્ષના બાળકો માટે વેકસીનેશન શરૂ કરવાનું એલાન કર્યું હતું. ત્યારે હવે 15 વર્ષથી ઉપરના બાળકોનું વેક્સીનેશન આગામી 3 જાન્યુઆરીથી શરૂ કરવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

ત્યારે રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી મુજબ જો કેન્દ્ર સરકાર દ્વારા જ્યારે પણ બાળકોની રસીની જાહેરાત કરવામાં આવશે ત્યારે ફક્ત 15 દિવસની અંદર સમગ્ર રાજ્યના તમામ બાળકોને રસીકરણ કરી દેવામાં આવશે. ખાસ કરીને ૧૫થી૧૮ વર્ષના બાળકો ધો.૯થી૧૨ના વિદ્યાર્થીઓ કહી શકાય પરંતુ ઘણા પણ એવા બાળકો હશે કે જેઓ હાલ સ્કૂલોમાં ભણતા નથી ત્યારે વિદ્યાર્થીઓ હોય તેઓને અને વિદ્યાર્થીઓ ન હોય તેવા બાળકોને કઈ રીતે રસી આપવી તે મુદ્દે ચોક્કસ ગાઈડલાઈન નક્કી થશે.