અમદાવાદ શહેરથી એક વિચિત્ર ઘટના સામે આવી છે. અમદાવાદમાં માસ્કના મેમો ફાડવા માટે ઉભા કરાયેલા પોઇન્ટ પર જ લૂંટની ઘટના સામે આવી છે. જેમાં ત્રણ શખ્સોએ બાઇક પર આવી મોબાઈલ ફોન લૂંટયો હતો. વાત કરવાનું કહી વિદ્યાર્થીનો ફોન લૂંટી ફરાર થઈ ગયા હતા. બનાવની જગ્યા પર જ પાલડી પોલીસનો પોઇન્ટ છે. પોલીસે આ બાબતમાં વધુ તપાસ હાથ ધરી છે.

આ ઘટના અમદાવાદના પાલડી પોલીસ સ્ટેશન પાસેથી આશરે ૨૦૦ મીટર દુર આવેલ મંદિર બહારથી ત્રણ યુવકો મોબાઈલ ફોનની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. તેમાં આશ્વર્યચકિત કરનાર વાત એ રહી કે, જ્યાં એક તરફ પોલીસ માસ્ક નહીં પહેરનાર લોકોથી મેમો આપવાની કામગીરી કરી રહ્યા હતા જ્યાં બીજી તરફ પોલીસ સ્ટેશન પાસે ઉભા કરવામાં આવેલ પોઈન્ટ પર જ આ ઘટના બની હતી.

શાહીબાગ રહેનાર ૧૯ વર્ષના ધવલ વાઘેલા નામનો યુવક ગુજરાત કોલેજમાં અભ્યાસ કરે છે. તેને સંગીતનો ખૂબ શોખ છે. જેના કારણે મંગળવારના રોજ તે નાદ બ્રહ્મ કલાસીસમાં સંગીત શીખવા જતો હતો ત્યારે પાલડી પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલ સ્વામીનારાયણ મંદિર પહોંચ્યો, ત્યારે ત્રણ વ્યક્તિ બાઈકને લઈને આવ્યા અને તેમાંથી એક વ્યક્તિ બાઇકથી ઉતરી ધવલ પાસેથી ફોન માગ્યો અને કહ્યું કે, મારે અરજન્ટમાં ફોન કરવો છે તારી પાસે ફોન હોય તો આપવાનું કહ્યું, જેના કારણે ધવલે તેની પાસે રહેલ ફોન આપી દીધો હતો. ત્યાર બાદ ધવલને ભોળવી આ ત્રણે બાઈક સવાર ફોનને લઈને ફરાર થઈ ગયા હતા.