અમદાવાદ DEO નો મહત્વપૂર્ણ નિર્ણય સામે આવ્યું છે. શાળા જાતે નિર્ણય લઈ સ્કૂલ બંધ રાખી શકશે. આજે શરૂ થયેલા વરસાદને લઈને DEO એ સ્કૂલોને સૂચના આપી છે. અમદાવાદ શહેર ડી ઈ ઓ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાનમાં લઇ દરેક શાળાના આચાર્યએ પોતાની વિવેક બુદ્ધિથી સ્થાનિક પરિસ્થિતિને અનુરૂપ શાળાનું શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો નિર્ણય કરવો.

નોંધનીય છે કે, વરસાદી વાતાવરણમાં રાજ્યની શાળા-કોલેજમાં શિક્ષણ કાર્ય ચાલુ કે બંધ રાખવા સંદર્ભે રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. સ્થાનિક સ્થિતિ અનુરૂપ શૈક્ષણિક કાર્ય બંધ કે ચાલુ રાખવા અંગે શહેર-જિલ્લાના સક્ષમ સત્તાધિકારી નિર્ણય લઈ શકશે તેમ રાજ્યના શિક્ષણમંત્રી જીતુભાઇ વાઘાણી દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે.

ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને શિક્ષણમંત્રી જીતુભાઇ વાઘાણી સાથે થયેલી ચર્ચાઓ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, રાજ્યમાં વરસાદી વાતાવરણને કારણે વિદ્યાર્થીઓના હિતમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ અનુસાર, શાળા, કોલેજ કે અન્ય શૈક્ષણિક સંસ્થામાં અભ્યાસ અર્થે જતા વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાનમાં રાખી નિર્ણય લેવામાં આવ્યો છે કે, સ્થાનિક વરસાદી સ્થિતિ અનુરૂપ શૈક્ષણિક કાર્ય બંધ કે ચાલુ રાખવા અંગે શહેર-જિલ્લાના સક્ષમ સત્તાધિકારી એટલે કે સ્થાનિક વહીવટી તંત્ર યોગ્ય નિર્ણય લઈ શકાશે.