રાજ્યમાં ચોમાસુ પ્રવેશી ચૂક્યું છે. 2 દિવસ પૂર્વે ચોમાસાનો પ્રવેશ થઈ ચૂક્યો છે. આગામી 30 જૂન સુધી સમગ્ર રાજ્યમાં ચોમાસુ સક્રિય થઈ જશે. તેમજ આવતી કાલે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં આગામી ૩ દિવસ દરમિયાન ગાજવીજ સાથે વરસાદની અથવા ધૂળની ડમરી સાથે પવન ફૂંકાવવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. વલસાડમાં ગઇકાલ રાતથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો હતો. કપરાડા વાપી અને આસપાસના વિસ્તારોમાં મોડી રાતથી વરસાદી ઝાપટાંની શરૂઆત થઈ હતી.

દક્ષિણ ગુજરાત

છોટાઉદેપુર જિલ્લામાં બે દિવસથી કમોસમી વરસાદ પડતા ખેડૂતોના કપાસ પાકને વ્યાપક નુકસાન થયું છે. સતત બે દિવસથી છોટાઉદેપુર જિલ્લામાં નસવાડી તાલુકાના પંથકમાં વરસાદ પડી રહ્યો છે. જેનાથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે. વલસાડ, વાપી, પારડી, કપરાડા, ધરમપુર અને ઉમરગામ તાલુકામાં વરસાદ તૂટી પડ્યો હતો તેમજ નવસારી, દાદરા નગર હવેલી, તાપી ડાંગ સહીત વરસાદની આગાહી કરવામાં આવી છે. દરિયા કાંઠ વિસ્તારમાં રહેતા માછીમારોને આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

રાજકોટ

આ સિવાય રાજકોટ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જિલ્લાના લોધિકા, છાપરા, દેવગામ, ઇશ્વરીયામાં વરસાદ વરસ્યો છે. લોધિકા તાલુકાના ગામડાઓમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ગ્રામ્ય વિસ્તારો ધોધમાર વરસાદથી ઠંડક છવાઈ છે.

અમરેલી

અમરેલીના આંબરડીમાં અનરાધાર વરસાદ ખાબક્યો છે, શેરીમાં નદીના પૂરની માફક પાણી વહેતા ટ્રેકટર સહિતના વાહનો તણાયા છે. રાજુલા, જાફરાબાદ, સાવરકુંડલા તાલુકામાં વરસાદ પડ્યો છે.જિલ્લામાં ધોધમાર વરસાદના આગમનથી ખેડૂતો ખુશ થઈ ગયા છે. ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર પાણી ફરી વળ્યા છે.આ ઉપરાંત ધારીની શેલ નદીમાં ઘોડાપૂર આવ્યું છે.