ગુજરાતના શહેરમાં કોરોના કેસમાં મોટો વધારો થયો છે, જે સુરતમાં કોરોનાના કેસો વધી રહ્યા છે. શહેરમાં કોરોનાનું સંક્રમણ ફરી વધી રહ્યું છે. એક દિવસમાં વધુ નવા 10 કેસ નોંધાયા છે. સુરત શહેરમાં કોરોનાના નવા 9 અને ગ્રામ્ય માંથી નવા 1 કેસ નોંધાયા છે. બે દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ, બે દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. સુરતમાં હાલ 36 કેસ એક્ટિવ છે.

રાજ્યમાં ફરી એકવાર કોરોના કેસમાં ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે. જે સુરત શહેરમાં કોરોના કેસો વધતા આરોગ્ય તંત્ર પણ સફાળું જાગ્યું છે. મનપાએ ધનવંતરી રથની તૈયારી શરૂ કરી દીધી છે. સુરત આરોગ્ય વિભાગ એક્શન મોડ પર આવ્યું છે.

રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 99.07 ટકાએ પહોચ્યો છે. અત્યાર સુધી રાજ્યમાં કોરોનાથી કુલ 10944 દર્દીના મૃત્યુ થયા છે. તો આજે રાજ્યભરમાં કુલ 81,353 નાગરિકોનું રસીકરણ થયુ તો અત્યાર સુધી ગુજરાતમાં રસીના કુલ 11.04 કરોડથી વધુ ડોઝ અપાયા છે.

આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા ડેટા અનુસાર છેલ્લા 24 કલાકમાં દેશમાં કોવિડ-19ના 7,584 દર્દીઓ સામે આવ્યા છે. તેની સાથે, સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 4,32,05,106 થઈ ગઈ છે. કોરોના સામે રસીકરણ પણ ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં રસીના કુલ 194.76 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે.

સક્રિય દર્દીઓની સંખ્યા કુલ ચેપગ્રસ્ત દર્દીઓના 0.08% છે. દેશમાં રોગચાળામાંથી સાજા થવાનો દર 98.70 ટકા છે. દૈનિક ચેપ દર 2.26 ટકા નોંધાયો હતો, જ્યારે સાપ્તાહિક ચેપ દર 1.50 ટકા છે. દેશમાં રોગચાળામાંથી સાજા થનારા લોકોની સંખ્યા વધીને 4,26,44,092 પહોંચી ગઈ છે. કોરોના મૃત્યુ દર 1.21 ટકા છે.