રાજકોટની SNK સ્કૂલમાં ઉધોગપતિઓ અને બિલ્ડરો દ્વારા 200 બેડ તૈયાર કરવામાં આવ્યા છે. કુલ 500 બેડની હોસ્પિટલ આ તૈયાર કરવામાં આવી છે. આ હોસ્પિટલ રાજકોટ BAPS સંસ્થાના અપૂર્વમુનિ સ્વામી, રાજકોટ બિલ્ડર એસોસિએશન, શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીઅલ એસોસીએશન, મેટોડા જીઆઇડીસી, રાજકોટ એન્જિનિયરિંગ એસોસિયેશન અને રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની મદદથી આધુનિક કોવિડ સેન્ટર ઉભું કરવામાં આવ્યું છે.

જો કે, દર્દીઓને ઓક્સિજનની અછત ન પડે તે હેતુથી SNK સ્કૂલમાં જ ઓક્સિજન પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે. આ હોસ્પિટલમાં એક પણ રૂપિયા લીધા વિના સારવાર શરૂ છે. કરોડપતિ હોઈ કે મધ્યમ કોઇ ચાર્જ લેવાનો નહિ તેવો નિર્ણય કરવામાં આવ્યો છે.

કોરોનાના કેસની વાત કરવામાં આવે તો છેલ્લા 24 કલાકમાં રાજકોટમાં કોરોનાના કેસમાં ફરી ઉછાળ આવ્યો છે. મંગળવારે નવા 726 કેસ આવ્યા છે જેમાં શહેરના 593, જ્યારે ગ્રામ્ય વિસ્તારના 133 છે. આ ઉપરાંત છેલ્લા 24 કલાકમાં 76 દર્દીના કોરોનાની સારવાર દરમિયાન મોત નીપજ્યા છે. કુલ કેસની સંખ્યા 45690 થઈ છે જેમાં એક્ટિવ કેસ 4687 છે.

રાજકોટ શહેરમાં કેસની સંખ્યા ઘણી કાબૂમાં આવી રહી છે અને હોસ્પિટલમાં પણ હવે કતારો ઘટી રહી છે તેવામાં અચાનક ગ્રામ્ય વિસ્તારમાં કેસની સંખ્યામાં ઉછાળો આવ્યો છે પણ જિલ્લા આરોગ્ય તંત્ર અને જિલ્લા પંચાયત આ મામલે સાવ ઉદાસીન હોવાથી 15 લાખથી વધુની વસ્તી હોવા છતાં 2500થી 3500 ટેસ્ટ થઈ રહ્યા છે. આ કારણે એવા ઘણા કેસ છે જે હજુ સામે પણ આવ્યા નથી. ઘણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો કિટની અછત અને સ્ટાફની અછતથી પીડાઈ રહ્યા છે આ કારણે ગ્રામ્ય વિસ્તારની હાલત કથળતી જઈ રહી છે.