રાજ્યમાં ગૃહ વિભાગ દ્વારા આજ શનિવારથી ઈ-એફઆઈઆરની સુવિધા શરૂ કરવામાં આવશે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી તેનું લોકાર્પણ કરશે. ઈ-એફઆઈઆરની સુવિધા શરૂ થયા બાદ મોબાઈલ અને વાહનની ચોરીની ફરિયાદ નોંધવી સરળ બનશે. આ સુવિધા સિટીઝન ફર્સ્ટ એપ્લિકેશન પર શરૂ કરવામાં આવી રહી છે. આનાથી શિક્ષિત લોકો માટે ફરિયાદ નોંધવામાં સરળતા રહેશે.

બીજી તરફ વિડંબના એ છે કે નવી સુવિધાથી શ્રમજીવી વર્ગની મુશ્કેલીમાં વધુ વધારો થશે. સુરતમાં એક મોટો વર્ગ મજૂર વર્ગનો છે. મોટાભાગના લોકો પાસે સ્માર્ટ ફોન પણ નથી. જ્યાં કામદારો અને ગરીબો પોલીસ સ્ટેશન જવાનું ટાળે છે, ત્યાં આ ઓનલાઈન સુવિધા તેમના માટે કોઈ કામની નહીં હોય. ડિજિટલ પેમેન્ટના યુગમાં પણ મજૂરોને ગામમાં પૈસા મોકલવા માટે સાયબર કાફેનો સહારો લેવો પડે છે.

હવે ઈ-એફઆઈઆરમાં મોબાઈલ અને વાહન ચોરીની ફરિયાદ નોંધાવવા માટે સાઈબર કાફેમાં પૈસા ખર્ચવા પડશે અથવા અન્યની મદદ લેવી પડશે. બીજો મહત્વનો પ્રશ્ન એ પણ ઉભો થાય છે કે મહિનાઓ સુધી પોલીસ સ્ટેશનમાં ગયા પછી પણ પોલીસ ફરિયાદ નહીં નોંધે તો ઈ-એફઆઈઆર પર શું કાર્યવાહી થશે તે કહેવું મુશ્કેલ છે.