ગુજરાતના મોરબી શહેરમાં, મચ્છુ નદી પરનો કેબલ બ્રિજ તૂટી પડતાં 135 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ મામલે કડક કાર્યવાહી કરતા રાજ્ય સરકારે મ્યુનિસિપલ ઓફિસર સંદીપ સિંહ ઝાલાને સસ્પેન્ડ કરી દીધા છે. આ પહેલા ગુરુવારે પોલીસે તેની ચાર કલાક પૂછપરછ કરી હતી. તેમને પુલના સમારકામ માટે ગુજરાત સ્થિત ઘડિયાળ બનાવતી કંપની ઓરેવા સાથે થયેલા કરાર અંગે પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા.

કોર્ટમાં રજૂ કરાયેલા દસ્તાવેજો દર્શાવે છે કે જે કોન્ટ્રાક્ટરને બ્રિજના સમારકામની કામગીરી સોંપવામાં આવી હતી તે આવા કામ માટે લાયક ન હતો. પેટા કોન્ટ્રાક્ટરે ફક્ત કેબલને પેઇન્ટિંગ અને પોલિશ કર્યું. કાટ લાગી ગયેલી સાંકળો બદલાઈ ન હતી. જેના કારણે અકસ્માત સર્જાયો હતો. ઓરેવા કંપની આ કામ માટે સંપૂર્ણપણે અયોગ્ય હતી. અગાઉ 2007માં પણ કંપનીને સમારકામનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો.

કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ ગુરુવારે ગુજરાતમાં મોરબી બ્રિજ દુર્ઘટનાની તપાસ પર સવાલ ઉઠાવતા કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુનિશ્ચિત કરવું જોઈએ કે ગુજરાત સરકાર બેદરકારીભરી તપાસની પ્રક્રિયામાં પોતાને સ્વચ્છ સાબિત કરે. રવિવારે પુલ તૂટી પડતાં 135 લોકોનાં મોત થયાં હતાં.