ભારે વરસાદને કારણે નવસારીના અનેક વિસ્તારો ઝડપથી ડૂબી રહ્યા છે, જેના કારણે લોકો અને પશુઓને અગવડ પડી રહી છે. છેલ્લા કેટલાક દિવસોમાં દક્ષિણ અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે નદીઓ ઓવરફ્લો થઈ ગઈ હતી અને પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. અધિકારીઓએ જણાવ્યું કે નીચાણવાળા વિસ્તારોમાંથી 6,000 થી વધુ લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા છે. અવિરત વરસાદને કારણે અનેક રસ્તાઓ અને પુલોને નુકસાન થયું છે, જેના કારણે અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકોને અસુવિધા થઈ રહી છે.

નવસારી જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી ભારે વરસાદ પડી રહ્યો છે જેના કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે. નવસારી શહેરમાં નદી કિનારાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, જેના કારણે હજારો લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી છે. પૂર્ણા નદીના જળસ્તરમાં વધારો થતાં ભેસ્તાખરા વિસ્તારના 100થી વધુ ઘરોમાં પાણી ભરાયા હતા. જિલ્લાના 13 ડેમને ‘હાઈ એલર્ટ’ પર અને આઠને ‘એલર્ટ’ પર મૂકવામાં આવ્યા છે કારણ કે ભારે વરસાદને કારણે તેમની જળસપાટી વધી છે.

નવસારીમાંથી પસાર થતી પૂર્ણા નદીની જળ સપાટી 27 ફૂટે પહોંચી છે. જેના કારણે નવસારી શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. બગડતી પરિસ્થિતિને જોતા નાયબ મામલતદારને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે. તંત્ર દ્વારા સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. ખીમ્મર સમાજની વાડીમાં આશરો લીધેલા અસરગ્રસ્તો માટે સામાજિક સંસ્થાઓ અને નગરપાલિકા દ્વારા ખાવા-પીવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

ડાંગ જિલ્લામાં સતત ચોથા દિવસે વરસાદના કારણે 30થી વધુ કલ્વર્ટ ડૂબી ગયા છે. જેના કારણે 50થી વધુ ગામો સંપર્ક વિહોણા બન્યા છે. સાપુતારા સહિત આહવા ઘાટ રોડ પર ભૂસ્ખલનના કારણે માર્ગો બ્લોક થઈ ગયા છે. ડાંગમાં ભારે વરસાદને કારણે લોકમાતા અંબિકા, ખાપરી, પૂર્ણા અને ગીરા નદીઓ બે કાંઠે વહી રહી છે.