જાગ્યા ત્યાંથી સવાર જેવું કામકાજ, પહેલા ઢીલાશ હવે ઓમિક્રોનના ફફડાટ વચ્ચે પાલિકા બન્યું રઘવાયું

કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનના ફફડાટ વચ્ચે ધીમી ગતિએ જિલ્લાઓમાં પણ સંક્રમણ વધુ વધી રહ્યું છે. જે રાજ્યમાં કોરોનાની ખતરનાક લહેર કહેર મચાવી રહી છે. ગુજરાતમાં ઓમિક્રોનના કેસ પણ નોંધાઈ ચુક્યા છે. ત્યારે તંત્ર દ્વારા સાવચેતી રાખવા માટે અપીલ કરવામાં આવી રહી છે. જેના ભાગ રૂપે સુરત ઇન્ડોર ઓફિસ, મોલ અને મલ્ટીપ્લેક્સ માં માસ્ક નહીં પહેરનારને દંડ કરવામાં આવશે.
શહેરમાં કેસો વધતા મનપા તંત્ર રઘવાયું થયું છે. રાજકીય મેળાવડા અને હુન્નર હાટ જેવા એક્ઝિબિશનમાં કોઈ કાર્યવાહી નહીં કરનાર મનપા તંત્ર હવે રઘવાયું બન્યું છે. સુરતમાં દૈનિક ટેસ્ટિંગ 6 હજારથી વધારીને 10 હજાર કરવામાં આવ્યા છે. 60 ધન્વંતરિ રથની સંખ્યા પણ 100 કરવામાં આવી છે.
સુરતના સહારા દરવાજા વિસ્તારમાં આવેલી શાકભાજી માર્કેટમાં લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. શાકભાજી માર્કેટમાં લોકો માસ્ક વગર અને સોશિયલ ડિસ્ટન્સ વિના જોવા મળી રહ્યા છે. જો કે ,કોરોના વાયરસના સંક્રમણને રોકવા ઘરની બહાર નિકળતા લોકોને માસ્ક પહેવું ફરજીયાત છે. માસ્ક ન પહેરનાર વ્યક્તિ પાસેથી દંડ વસૂલવામાં આવશે.
નોંધનીય છે કે, સુરતના મેયરે જાહેરાત કરી જણાવ્યું હતું કે ભાજપ પ્રદેશ પ્રમુખે પાલિકા અને પોલીસ કમિશ્નર સાથે બેઠક કરીને દંડ નહી પણ માસ્ક પહેરોની નીતિ બનાવી છે. જેના કારણે આવતીકાલથી સુરતમાં માસ્ક નહીં હોય તેવા લોકો પાસે દંડ નહી વસુલે માસ્ક અપાશે અને તેમને માસ્ક પહેરવા માટેની સમજ અપાશે.