વડોદરાની એમ એસ યુનિવર્સીટીમાં ડોનર્સ કેટેગરીમાં ભાજપે ઉમેદવાર જાહેર કર્યા છે. જેમાં પ્રતિક જોશી અને વ્રજેશ પટેલને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. સેનેટની ચૂંટણીમાં ડોનર્સ કેટેગરીમાં પણ ભાજપે ઉમેદવાર જાહેર કરતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે. જો કે ભાજપે ભાજપના જ જીગર ઈનામદાર અને મયંક પટેલ સામે ઉમેદવાર ઉતાર્યા છે. જીગર અને મયંક પટેલના ઉમેદવારી પત્રમાં ટેકેદાર તરીકે પ્રતિક જોશીનું નામ પણ સામે આવી રહ્યું હતું, પરંતુ હવે પ્રતિક જોશીને ભાજપે ઉમેદવાર બનાવ્યો છે.

આ સંજોગોમાં હવે આગામી ૧૩મી જાન્યુઆરીએ ડોનર્સ કેટેગરીની ચૂંટણી યોજાનાર છે. હાલ એમ એસ યુનિવર્સિટીનુ કેમ્પસ સેનેટની ચૂંટણીને મુદ્દે શહેર, જિલ્લામાં ચર્ચાના કેન્દ્રસ્થાને છે. બંન્ને મુખ્ય રાજકીય પક્ષો તેમજ પક્ષોના કાર્યકરોમાં પણ આ ચૂંટણીને મુદ્દે ગરમાવો સર્જાયો છે.

જો કે, પાંચ વર્ષ પહેલાં આયોજીત ડોનર્સ કેટેગરીની ચૂંટણીમાં ડોનર્સના ૪૦ મતોનો વિવાદ સર્જાયો હતો. તે વેળાં વડફેસ્ટની શહેરમાં ધમાકેદાર ઉજવણી કરવામા આવી હતી. જેના ભાગરૂપે વડફેસ્ટ દ્વારા યુનિવર્સિટીને દાન પેટે રૂપિયા ૪૦ લાખની સહાય કરવામા આવી હતી. જેના પગલે દાતા તરીકે ૪૦ દાતાઓના નામ ડોનર્સ કેટેગરીમાં સમાવાયા હતા.