સુરતના સચિનના સ્પેશિયલ ઇકોનોમી ઝોનમાંથી ડાયમંડ એક્સપોર્ટ કૌભાંડ મામલો હાલ ચર્ચામાં રહેલ છે. રૂ.3000 કરોડના હીરા એક્સપોર્ટ કરવામાં આવ્યા હતા. 30 કન્ટેનર મારફત હીરા વિદેશ મોકલવામાં આવ્યા હતા. તમામ હીરા પોતાના હોવાનું આરોપી મિત કાછડીયાનું રટણ છે.

તેની સાથે રૂ.3000 કરોડના હીરા માત્ર મિત કાછડીયાના હોવાની વાત પર અધિકારીઓને શંકા રહેલી છે. આરોપીના લેપટોપ અને મોબાઈલની પણ તપાસ કરવામાં આવશે. રાજ્ય અને રાજ્ય બહારની એફએસએલની ટીમની મદદ લેવામાં આવશે. આ સિવાય આ કૌભાંડ માં અન્ય મોટા માથાઓની સંડોવણી હોવાની કસ્ટમ વિભાગને આશંકા રહેલી છે. તેની સાથે દિલ્હી એરપોર્ટથી ધરપકડ કર્યા બાદ આરોપી મિત કાછડીયા બે દિવસના રીમાંડ પર રહેલ છે.

નોંધનીય છે કે, સુરતમાં આવેલ સચિન સ્થિત સુરત સ્પેશિયલ ઈકોનોમિક ઝોનમાં આવેલી યુનિવર્સલ જેમ્સના કરોડોના ડાયમંડના મિસ ડેક્લેરેશન કેસમાં નાસતા ફરતા મિત કાછડિયાની ધરપકડ પછી કસ્ટમની સ્પેશિયલ ઇન્ટેલિજન્સ એન્ડ ઇન્વેસ્ટિગેશન બ્રાન્ચે યુનિવર્સલ જેમ્સના મિત કાછડિયા દ્વારા એક્સપોર્ટ કરેલા 3000 કરોડના અસલી હીરા કોના હતા? તેને લઈને રિમાન્ડ લઈને પૂછપરછ શરૂ કરવામાં આવી રહી છે.