રાજકોટમાં વેકસીનેશન આયોજનબદ્ધ રીતે આગળ વધી રહ્યું છે. ત્યારે રાજકોટ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. રાજકોટમાં 50 હજાર કોવિડ શિલ્ડ રસીના ડોઝ આવ્યા છે. જે 18 થી 44 વર્ષના 10 હજાર જેટલા લોકોને રસી આપવામાં આવશે. જયારે 44 થી વધારે ઉંમરના 7 હજાર લોકોને રસી આપવાનું લક્ષ્યાંક રાખવામાં આવી છે. જો કે એક તરફ સૌને કોરોના સામે વેકસીનની સુરક્ષા ઢાલ જોઈએ છીએ પણ ઓનલાઈન નોંધણીમાં સ્લોટ નહી મળતા વેકસીન લેવાનો ઉત્સાહ ઓસરવા લાગ્યો છે.

ભારત સરકારની બીજા ડોઝની સ્વૈચ્છિક ગાઇડલાઇન હવે નિયમના રૂપમાં આજથી અમલમાં આવી ગઇ છે. પ્રથમ ડોઝ લેનાર નાગરિકે હવે 4ર દિવસ બાદ જ બીજો ડોઝ લેવા જવાનું રહેશે તેવી મહત્વની જાહેરાત આજે કમિશનર ઉદિત અગ્રવાલ અને આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી છે. અત્યાર સુધી 28 દિવસ બાદ બીજો ડોઝ અપાતો હતો પરંતુ ગાઇડલાઇન હેઠળ હવે પુરા રાજયમાં કોવિશિલ્ડનો બીજો ડોઝ 4ર દિવસ બાદ અને કોવેકસીનનો બીજો ડોઝ ર8 દિવસ બાદ લેવા સુચના જાહેર કરવામાં આવી છે.

ગુજરાત રાજ્યના આરોગ્ય અને પરિવારકલ્યાણ મંત્રાલયની યાદી અનુસાર 10 મે સુધી 1,03,94,150 વ્યક્તિઓને કોરોના રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો અને 33,55,185 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.