ગુજરાતમાં કોરોનાએ હાહાકાર મચાવેલો છે અને મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. જ્યારે રાજકોટમાં કોરોનાને લઈને રાહતના સમાચાર સામે આવ્યા છે. રાજકોટમાં 20 દિવસમાં 12254 લોકોએ કોરોનાને માત આપી છે. ટેસ્ટ અને ઓપીડીમાં 50 ટકાનો ઘટાડો થયો છે.

આ સિવાય મનપાની 104 સેવામાં પહેલા 1200 કોલ આવતા તે ઘટી 210 પહોંચી ગયા છે. 104 માં ટેસ્ટિંગ પહેલા 910 થયા જે ઘટી 197 થઈ ગયા છે. 20 દિવસમાં 12254 સાજા થયા જ્યારે નવા 8521 નોંધાયા છે. કોરોનાથી સાજા થતા દર્દીઓનો ડિસ્ચાર્જ રેસિયોમાં વધારો થયો છે.

કોરોનાને લઈને રાજકોટ સહિત સૌરાષ્ટ્ર માટે રાહતના સમાચાર એ આવ્યા છે કે, રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આજે સતત બીજા દિવસે લાઈન જોવા મળી નથી. ખાનગી હોસ્પિટલમાં અલગ-અલગ ડોક્ટરોની ઓપીડીમાં ઘટાડો થયો છે. જો કે ખાનગી હોસ્પિટલમાં લોકોને હજી બેડ પ્રાપ્ત થતા નથી. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં અલગ-અલગ ખાનગી વાહનો અને 108માં આવતા દર્દીઓનો તરત જ દાખલ કરી દેવામાં આવે છે.

રાજ્યમાં પણ કોરોના વાયરસના નવા કેસમાં આંશિક ઘટાડો સામે આવ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 12545 નવા કેસ સામે આવ્યા છે. રાહતના સમાચાર એ છે કે, થોડા દિવસથી નવા કેસની સંખ્યા સ્થિર જોવા મળી રહી છે. રાજ્યમાં આજે કોરોના સંક્રમણથી વધુ 123 લોકોનાં મૃત્યુ થયા હતા. તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 8035 પર પહોંચ્યો છે.