ગુજરાતના અમદાવાદની જીવાદોરી કહેવાતી સાબરમતી નદીમાંથી કોરોના વાયરસ મળી આવ્યો છે. ત્યાંથી લેવામાં આવેલા તમામ સેમ્પલ્સ સંક્રમિત જણાયા હતા. અત્યાર સુધીમાં દેશના અનેક શહેરોની સુએજ લાઈનમાં જીવિત કોરોના વાયરસ મળવાની પૃષ્ટિ થઈ ચુકી છે. પરંતુ આ વખતે પહેલી વખત પ્રાકૃતિક જળ સ્ત્રોતમાં પણ કોરોના વાયરસની ઉપસ્થિતિની જાણ થઈ છે.

અમદાવાદના જળાશયોમાંથી કોરોના વાયરસને લઇને મહત્વના સમાચાર સામે આવ્યા છે. અમદાવાદના કાંકરીયા, સાબરમતી નદી અને ચંડોળા તળાવના સેમ્પલ લેવાયા છે. જેમાં સાબરમતીમાં 694, કાંકરીયાથી 549 અને ચંડોળા તળાવમાંથી 402 સેમ્પલ લેવાયા છે.

જ્યારે સપ્ટેમ્બરથી 29 ડિસેમ્બર 2020 સુધી દરેક અઠવાડિયે સેમ્પલ લેવાયા હતા. સેમ્પલ બાદ તેમાં તપાસ કરવામાં આવી હતી. ગાંધીનગર આઈઆઈટી અને 8 સંસ્થાના તારણો સામે આવ્યા છે. જળાશયોમાં કોરોના હોવાનું સામે આવતા ખળભળાટ ઉભો થયો છે.

ત્યારે ફરી એક વખત સાબરમતી નદી પ્રદૂષિત થઈ છે. સાબરમતી નદીમાંથી મોટી માત્રામાં મરેલી માછલીઓ મળી આવી છે. મરેલી માછલીઓ નદી માં તરતી નજરે જોવા મળી રહી છે. એક તરફ નદીના પાણીમાં કોરોના વાયરસનું સંક્રમણ બીજી બાજુ મરેલી માછલીઓએ ચિંતા વધારી છે. જો કે, નદીમાં કેમિકલ યુક્ત પાણી છોડવા નાં કારણે માછલીઓ મરી હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે.