પીએમ મોદી બે દિવસીય ગુજરાત પ્રવાસે છે. વિધાનસભા ચૂંટણી પહેલા 29 હજાર કરોડની ભેટ સાથે પોતાના ગૃહ રાજ્ય પહોંચેલા PMએ આજે વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી અને અમદાવાદ મેટ્રોમાં સવારી પણ કરી. આ દરમિયાન પીએમ મોદીની સંવેદનશીલતા પણ સામે આવી. જ્યારે પીએમને અમદાવાદથી ગાંધીનગર જતા રસ્તે એમ્બ્યુલન્સ દેખાઈ ત્યારે તેમણે તરત જ તેમનો કાફલો રોક્યો હતો.

ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ તેનો વીડિયો ટ્વિટર પર શેર કર્યો છે. તેમણે લખ્યું, લોકોની સરકાર. ગાંધીનગરથી અમદાવાદ જતી વખતે PM નરેન્દ્ર મોદીનો કાફલો એમ્બ્યુલન્સને રસ્તો આપવા માટે રોકાયો હતો.

આ પહેલા પીએમ મોદીએ આજે ગુજરાતમાં ગાંધીનગર અને મુંબઈ વચ્ચે દોડતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનના નવા અપગ્રેડેડ વર્ઝનને લીલી ઝંડી બતાવી હતી અને ત્યાર બાદ તેમણે ગાંધીનગરથી અમદાવાદના કાલુપુર સ્ટેશન સુધી ટ્રેનમાં બેસીને મુસાફરી કરી હતી. મોદીએ સવારે 10.30 વાગ્યે ગાંધીનગર રેલવે સ્ટેશનથી ટ્રેનને લીલી ઝંડી આપી હતી. વડા પ્રધાન કાર્યાલય (PMO) એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે વડા પ્રધાને વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનના કોચનું નિરીક્ષણ કર્યું અને તેમાં ઉપલબ્ધ સુવિધાઓનો સ્ટોક લીધો. તેમણે ટ્રેનના લોકોમોટિવ એન્જિનના નિયંત્રણ કેન્દ્રનું પણ નિરીક્ષણ કર્યું.