અમદાવાદના કૃષ્ણનગરમાં ASI ની દીકરી ગુમ થવાનો મામલો સામે આવ્યો છે. સોનલ ગઢવીની શોધખોળ માટે પોલીસે 4 ટિમો બનાવી છે. વૃદ્ધા આશ્રમ અને અનાથ આશ્રમમાં તપાસ શરૂ કરી છે. કેનાલની શોધખોળમાં કોઈ કડી મળી રહી નથી. સોનલબેનના કુટુંબીજનો અને સંબંધીઓના ત્યાં પણ તપાસ કરવામાં આવી રહી છે. પોલીસે ફોટો જુદા જુદા પોલીસ સ્ટેશનમાં મોકલી સર્ચ શરૂ કર્યું છે.

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ મથકના ASI ની દીકરી ગુમ થવા મુદ્દે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં સાસરિયાઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પતિ મોબાઈલમાં બીભત્સ ક્લિપ જોઈ સૃષ્ટિ વિરુદ્ધ કૃત્યનું દબાણ કરતો હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો હતો તેમજ દીકરી પાંચ દિવસ પહેલાં સ્યુસાઈડ નોટ ઓડિયો ક્લિપ મોકલ્યા બાદ ગુમ હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. દીકરીના સાસરિયાઓ દહેજમાં મકાન આપવાની માંગ કરતા હતાં તેમજ પતિ મરવાની ધમકી આપતા હોવાથી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ભરૂચમાં ફરજ બજાવનાર સસરા PI પ્રતાપદાન ગઢવી અને પતિ ધર્મેન્દ્રદાન ગઢવી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

નોંધનીય છે કે, પિતાને સંબોધીને દીકરીએ મોકલેલી ઓડિયો ક્લિપ સામે આવી હતી. જેમાં સસરા જણાવે છે કે, હું આખા પોલીસ સ્ટેશનનો રાજા છું અને હું કહું એમ જ થાય છે, તારી શું હેસિયત છે, તું તો નોકરાણી છે એમ કહીને ત્રાસ આપતાં હોવાનું જણાવ્યું છે.

જ્યારે આ મુદ્દે જાણકારી મળી છે કે, સાસરિયાના ત્રાસ અને પોલીસ ફરિયાદમાં મૃતકના સાસરિયાઓ સોનલને અવારનવાર માનસિક ત્રાસ આપતા હતાં. પતિ મોબાઈલમાં ગંદી ક્લિપ જોઈને તેવું જ ખરાબ કૃત્ય કરવા પત્નીને મજબૂર કરતો હતો. મકાન નામે કરવા બાબતે પણ સાસરિયાઓ ત્રાસ આપતાં હતા. તેમ છતાં આ મુદ્દે કૃષ્ણનગર પોલીસે પોલીસકર્મી સસરા પ્રતાપદાન ગઢવી સહિત 8 લોકો વિરૂદ્ધ શારીરિક-માનસિક ત્રાસ સહિતનો ગુનો દાખલ કરી તપાસ શરુ કરી છે.