રાજ્યમાં છેલ્લાં કેટલાંક સમયથી સરકાર અને નાગરિકો કોરોના વાયરસના અસ્તિત્વને ભૂલી બેદરકારી દાખવી રહ્યા છે. જેનાં કારણે કોરોનાના કેસોમાં સતત ધીમો વધારો જોવા મળી રહ્યો છે. કોરોનાની પહેલી લહેરમાંથી માંડ લોકોને કળ વળી હતી ત્યાં કોરોનાની બીજી લહેરે દાઝ્યા પર ડામ આપ્યો હતો, ત્યારે હવે કોરોના ના નવા વેરિયન્ટ આ તમામ રેકોર્ડ તોડી રહ્યા છે. જેને લઈને ચિંતા ઉભી થઇ રહી છે.

ઓમિક્રોનના આગમન બાદ ત્રીજી લહેરની શંકા ડોક્ટરો વ્યક્ત કરી રહ્યા હતા જે સાચી પડે તેવા સંજોગો ઉભા થયા છે. જેના પગલે તંત્ર ચિંતિત બન્યુ છે અને લોકોને કોવિડ ગાઇડ લાઇનનું સખ્ત પાલન કરવા અનુરોધ કર્યો છે.

આવતીકાલે રાજકોટમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રોડ શો અને જાહેર સભા કરવાના છે. ત્યારે ઓમિક્રોનના ઓથાર હેઠળ આ રેલી અને રોડ શો સામે વિપક્ષ અને જનતા પ્રશ્નો ઊઠાવી રહી છે.

સતત વધી રહેલા કોરોનાના કેસને લઈને મહેશભાઈ રાજપુત દ્વારા જણાવવામાં આવ્યું છે કે, મુખ્યમંત્રી જ કોરોના સુપરસ્પ્રેડર રહેલા છે. મુખ્યમંત્રી રાજકોટ અને સૌરાષ્ટ્ર ના લાખો લોકોના જીવ જોખમમાં મુકવા રાજકોટ આવી રહ્યા છે. કેમકે તા. 31 ડિસેમ્બરની ભાજપની રેલી રદ કરવા કલેક્ટર અને પોલીસ કમિશનરને કોંગ્રેસ દ્વારા રજુઆત કરવામાં આવી છે.

જો કે હાલમાં લોકો અને સરકારની બેદરકારીના કારણે કોરોના કેસોનો રાફડો ફરી ફાટ્યો છે. જે સરકારના વિવિધ કાર્યક્રમો અને ખાનગી કાર્યક્રમોમાં ને કારણે નેવે મુકાયેલી કોરોનાની ગાઈડલાઇનનું પરિણામ હવે સામે આવી રહ્યું છે ત્યારે ફરી કોરોના રાજકોટમાં ટોપ ગિયરમાં આવી ગયો છે. જે ચિંતાનો વિષય બની રહ્યો છે.